<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

બાગાયતી યોજનાઓ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની મુદત ૧૭ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

જામનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ઓનલાઈન અરજી કરી સહાયનો મહત્તમ લાભ લેવા નાયબ બાગાયત નિયામકની અપીલ

જામનગર :બાગાયત ખાતા હેઠળ મંજૂર થયેલ વિવિધ નવી યોજનાઓમાં જામનગર જિલ્લાના ખેડૂતો મહત્તમ લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની અગત્યની નવી યોજનાઓ જેવી કે (૧) બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અને (૨) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ હેઠળ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે અગાઉ તા.૧૫/૦૮/૨૦૨૬ સુધી પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ સમયમર્યાદા લંબાવીને હવે તા. ૦૩/૦૯/૨૦૨૬ થી તા. ૧૭/૦૯/૨૦૨૬ સુધી પોર્ટલ પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરવી ફરજિયાત છે. વર્ષ ૨૦૨૬-૨૭ થી પોર્ટલ પર નોંધાયેલા તેમજ નવા નોંધણી કરાવનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે, ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે.
અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખેડૂતોએ જરૂરી કાગળો પોર્ટલ પર અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે દિન-૭ માં જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.

વધુ વિગતો માટે આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ની મુલાકાત લેવી અથવા પોતાના તાલુકાના બાગાયત અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) નો સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે

 

(7:00 PM IST)