<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગરમાં ગટરના ઢાંકણામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર : પાપ છુપાવવા અજાણી મહિલા બાળકને ત્યજીને પલાયન થઈ ગયાની શંકા

ઘટનાની જાણ થતાં જ પોલિસ કાફલો સ્થળ પર દોડી ગયો : લોકોના ટોળાં એકઠાં થયા : ગુનો આચરનાર નિર્દયી મહિલાને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજના આધારે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ગટરના ઢાંકણામાંથી એક નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગટરમાંથી માસૂમ શિશુનો મૃતદેહ મળી આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકોના મોટા ટોળાં ઘટના સ્થળે એકઠાં થઈ ગયા હતા.

બનાવ અંગેની પ્રાથમિક વિગતો મુજબ, કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા અથવા અનિચ્છનીય સંજોગોના કારણે નવજાત શિશુને અહીં ગટરના ઢાંકણામાં ત્યજી દીધા બાદ સ્થળ પરથી પલાયન કરી ગઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલિસ કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલિસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માસૂમ શિશુના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. નવજાત શિશુને કોણે, કયા સંજોગોમાં અને કયા કારણોસર આ રીતે નિર્દયતાપૂર્વક ત્યજી દીધું તે દિશામાં પોલિસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ક્રૂર કૃત્ય આચરનાર અજાણી મહિલાની ઓળખ મેળવવા માટે પોલિસ દ્વારા મહાવીરનગર અને રણજીત સાગર રોડ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ સ્થાનિક સ્તરે અન્ય વિગતો મેળવી આગળની કાનૂની તપાસ તેજ કરવામાં આવી છે. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:11 PM IST)