તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
દાઉદી વ્હોરા ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબ આગામી મોહરમ માસમાં લંડનમાં આપશે કરબલાની બલિદાન ગાથા
૧૬ જૂનથી નવ દિવસ વાએઝઃ સૌરાષ્ટ્ર સહિત ભારતભરના વ્હોરા બિરાદરો લંડન જવાની તૈયારીમાં, સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૮: દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ-અલ-મુત્લક (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલિક્દર મુફ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આગામી મોહરમ માસમાં ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં કરબલાની બલિદાન ગાથા (વાએઝ) ફરમાવશે. બુધવારે સાંજે આ અંગેનો મેસેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ વ્હોરા સમાજમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
હિજરી સન ૬૧માં કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સગા-સંબંધીઓ તથા સાથીદારોએ ઈસ્લામ ધર્મ માટે આપેલી ભવ્ય કુરબાનીની યાદમાં સૈયદના સાહેબ દર વર્ષે મોહરમ માસના પ્રથમ દસ દિવસ વાએઝ ફરમાવે છે. આ વર્ષે મોહરમ માસ જૂન મહિનામાં આવતો હોવાથી તા.૧૬ જૂનથી લંડન ખાતે નવ દિવસ સુધી વાએઝ યોજાશે.
તાજદાર ડો. સૈયદના સાહેબ મુંબઈથી લંડન પધારશે. તેમની લંડન પધરામણીના સમાચાર મળતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના અનેક વ્હોરા બિરાદરોએ લંડન જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને વ્હોરા સમાજના વ્હોટ્સએપ ગ્રુપમાં વારંવાર શેર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સૈયદના સાહેબ દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં વાએઝ ફરમાવીને કરબલાના શહીદોના બલિદાનનો સંદેશ આપે છે, જેને સાંભળવા વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના હજારો લોકો ઉમટે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
