News of Thursday, 20th August 2026
ચોટીલા ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારકની મુલાકાતે દર્શનાબેન વાઘેલા
ગુજરાત સરકારનાં મંત્રી અને સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રભારીનું ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી દ્વારા અભિવાદન

રાજકોટ તા.૨૦: ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ચોટીલા ખાતે સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની ઊજવણી અવસરે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક તથા સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે એમની પુણ્યસ્મૃતિમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સંગ્રહાલયનું રૂ. ૩૪ કરોડ તથા પુસ્તકાલયનું રૂ. ૦૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. લોકલાગણીને પામીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના જે ઐતિહાસિક જન્મસ્થળને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેનો પણ સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિહ રાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભૂસડીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી. એચ. સોલંકી (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક (આઈએએસ), જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (આઈપીએસ), મંત્રીના અંગત સચિવ અધિક કલેકટર એન. આર. ધાધલ (જીએએસ), ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જીએએસ), સુરેન્દ્રનગર નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ગૌતમકુમાર મકવાણા (જીએએસ) તથા ચોટીલા શહેર ભાજપ પ્રમુખ રવિરાજભાઈ ખાચર, સ્વાતંત્ર્ય-સેનાનીઓના પરિવારના તૃપ્તિબેન આચાર્ય-શુક્લ, રૂદ્રાબેન આચાર્ય-દવે, પ્રદીપભાઈ વૈષ્ગ્ણવ અને મુકુંદભાઈ જાની, શિક્ષણવિદ કિરીટસિહ રહેવર (મામા), પર્યાવરણપ્રેમી બ્રીજભાઈ ઠક્કર અને વાલજીભાઈ પિત્રોડાની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાવાંજલિ અર્પણ કરી હતી.
પિનાકી મેઘાણીનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે માટે પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સતત સવિશેષ કાર્યરત છે.
સંગ્રહાલય પ્રાંગણમાં સ્થાપિત વરૂણ સ્મૃતિ ખાતે શ્રધ્ધા સુમન અર્પણ કરાયાં હતાં. માત્ર ૨૫ વર્ષની યુવા વયે આપણી વચ્ચેથી અણધારી વિદાય લેનાર સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે વિવિધ ક્ષેત્રોમાં અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર, દિલ્હી નિવાસી સ્વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કર (કક્કડ)ની પુણ્યસ્મૃતિમાં એમના પિતા બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર તથા પરિવાર દ્વારા વરૂણ સ્મૃતિ અંતર્ગત માઁ ચામુંડાની પાવનભૂમિ ચોટીલા સ્થિત ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વૃક્ષોનાં વરૂણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રેરક સેવાકીય કાર્ય માટે બ્રીજભાઈ ઠક્કરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારનો પિનાકી મેઘાણીએ હૃદયથી આભાર માન્યો હતો
આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
