તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
સુરેન્દ્રનગરમાં અમૂલના નામે ખતરનાક ખેલ: નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, લાખોનો જથ્થો ઝડપાયો
ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડાં: જાણીતી બ્રાન્ડના ડબ્બામાં ભેળસેળયુક્ત ઘી વેચતા રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ, અમદાવાદ સુધી જોડાયા તાર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ કરતું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ઘર-ઘરમાં વિશ્વાસપાત્ર ગણાતી 'અમૂલ' બ્રાન્ડના નામે બજારમાં નકલી અને ડુપ્લિકેટ ઘી પધરાવીને ગ્રાહકોને છેતરવાનું મોટું નેટવર્ક પોલીસની પકડમાં આવ્યું છે. આ મામલે અમૂલ કંપનીના પ્રતિનિધિઓએ સત્તાવાર ફરિયાદ નોંધાવતા દોડધામ મચી જવા પામી છે.
દરોડા દરમિયાન રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે મહેતા માર્કેટમાં આવેલી 'હેત્વી સેલ્સ' નામની દુકાનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી 'અમૂલ પ્યોર ઘી'ના લેબલવાળા 15 કિલોના 6 શંકાસ્પદ ડબ્બા મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય શંકાસ્પદ જથ્થો મળીને કુલ રૂ. 3,11,600ની કિંમતનો માલ પોલીસે કબજે કર્યો હતો.
અમદાવાદ સુધી ફેલાયેલું છે કૌભાંડનું નેટવર્ક
પોલીસની પૂછપરછમાં દુકાનદારે કબૂલાત કરી હતી કે આ નકલી ઘીનો જથ્થો તેઓ ટાંકી ચોકમાં આવેલી 'જેસી એન્ડ કંપની' પાસેથી લાવ્યા હતા. જ્યારે જેસી એન્ડ કંપનીના માલિકોની તપાસ કરવામાં આવી, ત્યારે આ કૌભાંડના મૂળ અમદાવાદ સુધી ફેલાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે આ ઘીનો જથ્થો અમદાવાદની 'નારાયણી એન્ટરપ્રાઇઝ' પાસેથી ખરીદવામાં આવ્યો હતો.
લેબ ટેસ્ટમાં ડુપ્લિકેટ હોવાની થઈ પુષ્ટિ
પોલીસે જપ્ત કરેલા ઘીના સેમ્પલ અને બેચ કોડની તપાસ અમૂલ કંપનીની આણંદ સ્થિત હેડ ઓફિસમાં મોકલવામાં આવી હતી. કંપનીના ક્વોલિટી એસ્યોરન્સ ઓફિસર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આ બેચ કોડનું ઘી અમૂલની કોઈપણ માન્ય ડેરી (જેમ કે સાબરકાંઠા, ભાવનગર કે ગાંધીનગર) દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું નથી. આરોપીઓ અમૂલના નામના લેબલ અને પેકિંગનો દુરુપયોગ કરી ગ્રાહકોને છેતરી રહ્યા હતા.
હાલ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ચાર શખ્સો અને સંબંધિત પેઢીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે કે જાણીતી બ્રાન્ડના નામે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે કેવા ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
