<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ઢસા 108 IFT ટીમની સમયસૂચકતા અને સૂઝબૂઝથી ચાલતી એમ્બ્યુલન્સમાં જોખમી પ્રસૂતિ સફળ: ગળામાં નાળ વીંટળાયેલા નવજાતને CPR આપી બચાવ્યો

બ્રીચ પ્રેઝન્ટેશન અને અગાઉના સિઝેરિયન જેવી ગંભીર સ્થિતિમાં EMT જયેશભાઈ વાળાએ 8 મિનિટ સુધી રિસસિટેશન કરી માતા-બાળક બંનેને આપ્યું નવજીવન, અધિકારીઓએ ટીમને પાઠવ્યા અભિનંદન

(માહિતી બ્યુરો)બોટાદ તા.૨૫ : બોટાદ જિલ્લાના ઢસા સ્થિત 108 ઇન્ટર ફેસિલિટી ટ્રાન્સફર (IFT) ટીમે અત્યંત ગંભીર અને પડકારજનક પરિસ્થિતિમાં માતા અને નવજાત શિશુનો જીવ બચાવી માનવતાભરી સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના ઠાસા ગામેથી પ્રસૂતિ પીડામાં રહેલી મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જરૂર હોવાનો કોલ મળતા ઢસા 108 ટીમના EMT  જયેશભાઈ વાળા અને પાયલોટ  અબ્બાસભાઈ મહેતર વિલંબ વિના સ્થળ પર પહોંચી ગયા હતા.

મહિલાને એમ્બ્યુલન્સમાં દાખલ કરીને તપાસ કરતા પ્રસૂતિ પીડા અત્યંત તીવ્ર હોવાનું જણાયું હતું. ગર્ભાવસ્થા દરમિયાનની સારવારના રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. દર્દીને તાત્કાલિક દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી.

ત્યાં તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને અગાઉ સિઝેરિયન દ્વારા પ્રસૂતિ થઈ હતી. ઉપરાંત ગર્ભમાં બાળક બ્રીચ પ્રેઝન્ટેશનમાં હતું તેમજ બાળકના ગળા અને શરીર પર ગર્ભનાળ વીંટળાયેલી હતી. આ સ્થિતિમાં નોર્મલ ડિલિવરી શક્ય ન હોવાથી વધુ સારવાર માટે દર્દીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.

અમરેલી સિવિલ હોસ્પિટલ તરફ જતી વખતે રસ્તામાં જ મહિલાની પ્રસૂતિ પીડા અસહ્ય બની જતા ચાલતી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ EMT જયેશભાઈ વાળાએ પોતાના અનુભવ, તાલીમ અને સૂઝબૂઝનો ઉપયોગ કરીને અત્યંત જોખમી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

પ્રસૂતિ બાદ નવજાત શિશુમાં જીવનચિહ્નો જોવા મળતા ન હોવાથી EMT દ્વારા તાત્કાલિક આશરે 8 મિનિટ સુધી CPR અને BVM દ્વારા નિયોનેટલ રિસસિટેશન આપવામાં આવ્યું હતું. સત પ્રયાસોના પરિણામે બાળકના ધબકારા ફરી શરૂ થયા અને નવજાતને નવજીવન મળ્યું.

ત્યારબાદ માતા અને નવજાત બંને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બોટાદ જિલ્લાના અધિકારી  યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર  કપિલ સોલંકીએ EMT જયેશભાઈ વાળા, પાયલોટ અબ્બાસભાઈ મહેતર તથા સમગ્ર 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવા માત્ર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ તાલીમબદ્ધ માનવબળ, આધુનિક સાધનો અને માનવતાભર્યા અભિગમ સાથે લોકોના જીવનની રક્ષા કરતી વિશ્વસનીય જીવનરક્ષક સેવા છે.

ઢસા 108 IFT ટીમની આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે સમયસરનો પ્રતિસાદ, યોગ્ય નિર્ણયશક્તિ અને નિષ્ઠાપૂર્વકની ફરજનિષ્ઠા અનેક પરિવારો માટે આશા અને જીવનનું નવું કિરણ બની શકે છે.

(3:52 PM IST)