<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

જામનગર કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર એસ.ઓ.જી.નો સપાટો, :1200 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર પકડી પાડયો : જુઓ વિડીયો

રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા એસપી ડો.રવિ મોહન સૈનીની સૂચનાથી કપુરિયાના કાઠે રહેતા શંકાસ્પદ દૂધના વેપારી કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના ઘરે રહેણાંક મકાનમાં દરોડો : ફૂડ સેફટી વિભાગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : જામનગર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રોજિંદા જીવનમાં વપરાતી ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પણ જિલ્લામાં આવા ઈસમોને શોધી કાઢવા ખાસ સૂચના આપી હતી.

જે અંતર્ગત એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પીએસઆઈ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ કાલાવડ ટાઉન/ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન સ્ટાફના તૌફીકભાઈ તાયાણી, રમેશભાઈ ચાવડા અને ફિરોઝભાઈ ખફીને સંયુક્ત બાતમી મળી હતી કે, કાલાવડના શિતળા માતાજી મંદિર પાસે કપુરિયાના કાઠે રહેતો શંકાસ્પદ દૂધનો ધંધાર્થી કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણી રહે. જાલાસણ ગામ, તા.કાલાવડ તેના ઘરે રહેણાંક મકાને શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલુ છે.

બાતમીના આધારે રેઈડ કરતા સ્થળ પરથી કુલ અંદાજે 1200 લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત બનાવટી દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી (વેજીટેબલ ઘી) અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.

તુરંત ફૂડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલિફોનીક જાણ કરી સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ સેફટી ઓફિસર (FSO) દ્વારા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલો લઈ તેઓની કચેરીનું સીલ કરી કબ્જે કર્યા હતા અને મળી આવેલ શંકાસ્પદ દૂધ તથા પાવડરનો માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરાવવામાં આવ્યો હતો. તેમજ દૂધના ધંધાર્થી વિરુદ્ધ ફૂડ સેફટી ઓફિસર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરી તથા પીએસઆઈ એલ.એમ. ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

(2:44 PM IST)