<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

માથેરાનમાં રોકાયેલા ધ્રોલના યુવાન સાથે રૂ. ૩.૦૬ લાખની સાયબર છેતરપિંડી : ફ્રોડ એપથી મોબાઈલ હેક કરી ગઠિયાઓએ રકમ તપડાવી

HDFC અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતામાંથી UPI મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાયા : ધ્રોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહીશ અને ૨૯ વર્ષીય યુવાન હાર્દિકકુમાર ભંડેરી સાથે મહારાષ્ટ્રના માથેરાન ખાતે રોકાણ દરમિયાન રૂ. ૩,૦૬,૯૭૦ ની સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા સાયબર ગઠિયાઓએ ફ્રોડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવાનના સ્માર્ટફોનનો કંટ્રોલ મેળવી લીધો હતો અને ત્યારબાદ બેંક ખાતામાંથી મોટી રકમ સેરવી લીધી હતી.

મળતી વિગતો અનુસાર, હાર્દિકકુમાર ભંડેરી માથેરાનની એક હોટલમાં રોકાયા હતા તે દરમિયાન સાયબર ગઠિયાઓએ એક શંકાસ્પદ ફ્રોડ એપ્લિકેશન દ્વારા તેમના મોબાઇલનો એક્સેસ મેળવી લીધો હતો. મોબાઈલ હેક કર્યા બાદ ગઠિયાઓએ તેમની સંવેદનશીલ બેંકિંગ વિગતો ચોરી લીધી હતી. આ વિગતોના આધારે આરોપીઓએ યુવાનના HDFC બેંક તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતાઓમાંથી અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. ૩,૦૬,૯૭૦ ઉપાડી લીધા હતા.

પોતાના બેંક ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં જ યુવાને ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે ગુનો નોંધીને PI પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ સાયબર ગઠિયાઓના સુરાગ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

(5:18 PM IST)