<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સાઇબર ફ્રોડ: મોરબીમાં યુવાનના ખાતામાંથી રૂ. 80 હજારની ઓનલાઈન ઉઠાંતરી.

વિસીપરા લાયન્સનગરમાં રહેતા શ્રમજીવીના બેંક ખાતામાંથી અજાણ્યા UPI ધારકોએ 80 હજાર રૂપિયા ઉપાડી લીધા, બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સામાન્ય શ્રમજીવી યુવાનના બેંક ખાતામાંથી ગઠિયાઓએ ઓનલાઈન રૂ. 80,000 ની ઉઠાંતરી કરી લીધી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
   પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના વતની અને હાલ મોરબીમાં વિસીપરા લાયન્સનગર (ચરમરીયાદાદાના મંદિર પાસે) માં ભાડેથી રહીને મજૂરીકામ કરતા 29 વર્ષીય બડેલાલ પ્રસાદ ચંદ્રસેન પ્રસાદ સાથે આ ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ગત તારીખ 06/08/2026 ના રોજ રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે બડેલાલે પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટ ચાલુ કરી 'ગુગલ પે' એપ્લિકેશન દ્વારા પોતાના બેંક ઓફ ઇન્ડિયા (ગોપાલગંજ બ્રાંચ) ના ખાતાનું બેલેન્સ ચેક કર્યું હતું. તે સમયે ખાતામાં કુલ રૂ. 3,36,766/- જમા હતા. પરંતુ થોડીવારમાં જ બે અજાણ્યા UPI આઈડી દ્વારા તેમના ખાતામાંથી કુલ રૂ. 80,000 ઓનલાઇન ઉપડી ગયા હતા.
   ફરિયાદીના જણાવ્યા મુજબ, રાકેશ નામના વ્યક્તિએ એક UPI આઈડીથી રૂ. 50,000 અને અમજતખાન નામના વ્યક્તિએ અન્ય UPI આઈડીથી રૂ. 30,000 મળીને કુલ રૂ. 80,000 તેમના ખાતામાંથી કોઈપણ રીતે ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે જાણ થતાં જ યુવાને તુરંત 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે રૂ. 8,000 હોલ્ડ પર મુકાયા હતા.
  જોકે, બાકીની રકમ પરત ન મળતા આખરે આજરોજ 27/10/2026 ના રોજ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ મથકે રૂબરૂ જઈને છેતરપિંડી આચરનાર અજાણ્યા UPI આઈડી ધારકો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. કલમ 318 અને આઈ.ટી. એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાને સોંપી છે.

(10:59 PM IST)