News of Sunday, 25th October 2026
મોરબીમાં સાયબર ફ્રોડનો પર્દાફાશ: ભાડે લીધેલા બેંક એકાઉન્ટમાં 3.49 કરોડથી વધુના આર્થિક વ્યવહારો પકડાયા.
કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ આપનાર અને વચેટિયા સહિત ત્રણ શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપનાર અને તેમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો થવા બાબતનો એક મોટો પર્દાફાશ થયો છે. આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા જ સરકાર તરફે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અશોકકુમાર સત્યનારાયણભાઈ શુકલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર તરફથી 'SAMANVAYA' તથા 'NCCRP' પોર્ટલ મારફતે મોરબી શનાળા રોડ પર આવેલ DCB બેંકના એકાઉન્ટ નંબર 40714700000550 માં સાયબર ફ્રોડ અંગેની બે ઓનલાઈન ફરિયાદો મળી હતી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના કુલ 74,000 રૂપિયાના ફ્રોડની માહિતી હતી.
પોલીસે આ બેંક એકાઉન્ટની વિગતો કઢાવતા તે મોરબીના વિજયનગર રોડ પર સનરાજ પાર્કમાં રહેતા અને ગેરેજમાં મજૂરીકામ કરતા ભાવેશભાઈ હરેશભાઈ વઘોરાના નામનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ભાવેશભાઈને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષ ચાવડા (રહે. રોહીદાસપરા, મોરબી) ની વાત માનીને એકાઉન્ટ ખોલાવી તેની કીટ જીતેન્દ્રભાઈને આપી દીધી હતી, જેના બદલામાં તેને 5000 રૂપિયા મળ્યા હતા.
પોલીસે ત્યારબાદ જીતેન્દ્રભાઈ ચાવડાની પૂછપરછ ક૨તા હકીકત સામે આવી કે તેણે આ એકાઉન્ટ પોતાના પરિચિત નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા (પટેલ) (રહે. 503, અમરનાથ એપાર્ટમેન્ટ, શનાળા રોડ, મોરબી) ને 15,000 રૂપિયાના ભાડે આપ્યું હતું. આ 15,000 માંથી જીતેન્દ્રએ 10,000 રૂપિયા પોતાનું કમિશન રાખીને 5,000 રૂપિયા ભાવેશને આપ્યા હતા. આ એકાઉન્ટમાં તમામ ટ્રાન્ઝેક્શન નિલેશભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવ્યા હોવાની કબૂલાત આપવામાં આવી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાએ તેના મળતિયાઓ સાથે મળીને અલગ-અલગ રાજ્યના લોકો સાથે સાયબર ફ્રોડ આચરીને આ એકાઉન્ટમાં તારીખ 23/02/2026 થી 02/06/2026 દરમિયાન કુલ 3,49,61,073 રૂપિયા (ત્રણ કરોડ ઓગણપચાસ લાખ એક્સઠ હજાર તોંતેર રૂપિયા) જેવી માતબર રકમ જમા કરાવી હતી. આ તમામ રકમ બાદમાં UPI ID, IMPS અને RTGS મારફતે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
આ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે (1) ભાવેશભાઈ હરેશભાઈ વઘોરા, (2) જીતેન્દ્રભાઈ દિનેશભાઈ ચાવડા અને (3) નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા (પટેલ) વિરુદ્ધ B.N.S. કલમ 316(5), 318(4) અને 61(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કમિશનના લાલચમાં બેંક ખાતા ભાડે આપતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
