તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં જામનગરમાં બંગાળી સમાજની સાંસ્કૃતિક ઝલક : શંખનાદ અને જયઘોષથી ગુંજી ઉઠ્યું આકાશ : જુઓ વિડીયો
પરંપરાગત લાલ-સફેદ સાડીમાં સજ્જ બંગાળી મહિલાઓએ વડાપ્રધાનના અભિવાદન કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું : દુર્ગા મૈયાના જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો

(મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર) : જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય અભિવાદન કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજો દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બંગાળી સમાજનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. ખાસ કરીને જામનગરમાં વસતા બંગાળી સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહી હતી. આ મહિલાઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા મુજબની ખાસ બંગાળી સાડીઓ પહેરીને સમગ્ર વાતાવરણમાં એક અનોખી સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી હતી.
વડાપ્રધાનના આગમનને વધાવવા માટે બંગાળી સમાજની બહેનો દ્વારા કરવામાં આવેલી સાંસ્કૃતિક રજૂઆતે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ સમૂહમાં એકસાથે શંખનાદ કરીને સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને મંગલકારી ગુંજારવથી ભરી દીધું હતું. હાથમાં શંખ લઈને વડાપ્રધાનના માનમાં કરવામાં આવેલા આ શંખનાદથી ત્યાં ઉપસ્થિત લોકોમાં એક નવો ઉત્સાહ અને ભક્તિમય ઉર્જાનો સંચાર થયો હતો.
શંખનાદની સાથે સાથે બંગાળી મહિલાઓ દ્વારા “દુર્ગા મૈંયા” ના જયઘોષ અને તેમની સંસ્કૃતિના પરંપરાગત ઉદગારો સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અનોખા સાંસ્કૃતિક દ્રશ્યએ જામનગરના આંગણે લઘુ ભારતની પ્રતીતિ કરાવી હતી. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત અન્ય નાગરિકો માટે બંગાળી સમાજની આ પરંપરાગત રીતભાત અને શ્રદ્ધા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને જામનગરના વિવિધ સમાજોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જ્ઞાતિઓ અને સમુદાયો પોતાની રીતે વડાપ્રધાનના સ્વાગત માટે સાંસ્કૃતિક અભિવ્યક્તિ કરી રહ્યા છે, જે અંતર્ગત બંગાળી સમાજે પોતાની અનોખી પરંપરા રજૂ કરી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. વડાપ્રધાનના સન્માનમાં આ રીતે ગુંજી ઉઠેલા શંખનાદ અને જયઘોષની જામનગરવાસીઓમાં ભારે ચર્ચા જોવા મળી હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
