<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ખંભાળિયા, દ્વારકા સહિતના તાલુકા-પાલિકાના પરિણામો માટે કેન્‍દ્રો પર ઉમેદવારો અને એજન્‍ટોની ભીડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી ૨૦૨૬: મતગણતરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ ૨૦૨૬ અન્‍વયે આજે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ મતગણતરી કેન્‍દ્રો પર સવારથી જ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. ખંભાળિયા, દ્વારકા, કલ્‍યાણપુર અને ભાણવડ સહિતના તાલુકાઓમાં નિયત કરાયેલા મતગણતરી કેન્‍દ્રો પર સવારે ૮:૦૦ કલાકે મતગણતરીની કાર્યવાહી શરૂ થઈ હતી.

પ્રથમ રાઉન્‍ડથી જ પરિણામો જાણવા માટે ઉમેદવારો, તેમના એજન્‍ટો અને કાર્યકરો મતગણતરી કેન્‍દ્રો બહાર મોટી સંખ્‍યામાં એકત્રિત થયા છે. પ્રત્‍યેક રાઉન્‍ડના અંતે જાહેર થતા આંકડાઓ સાથે રાજકીય પક્ષોના કાર્યાલયોમાં ઉત્‍સાહ અને ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે CCTV કેમેરા, વીડિયોગ્રાફી સહિતની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો સ્‍પષ્ટ થવાની શકયતા છે.

(11:57 AM IST)