<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટનો કડક ચુકાદો: લિવ-ઈન પાર્ટનર સુરજ ભુવા સહિત 5 આરોપીઓને આજીવન કેદ : ઝઘડા બાદ ગળું દબાવી હત્યા કરી પુરાવા ભૂંસવા લાશ સળગાવી દેવાનો આરોપ સાબિત

અમદાવાદની કોર્ટે હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના ગુનામાં તમામને દોષી ઠેરવ્યા: પોલીસની ઝડપી તપાસ અને મજબૂત પુરાવાના આધારે આવ્યો ચુકાદો, મૃતકના પરિવારમાં ન્યાય મળ્યાની લાગણી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા ધારા કડીવાર હત્યા કેસમાં આખરે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી સુરજ ભુવા સહિત કુલ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 

સરકારી પક્ષની દલીલ મુજબ, મૃતક યુવતી ધારા કડીવાર અને મુખ્ય આરોપી સુરજ ભુવા છેલ્લા કેટલાક મહિનાઓથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ બાદમાં બંને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ શરૂ થયા. 

તપાસમાં બહાર આવ્યું કે એક દિવસ ઉગ્ર બોલાચાલી બાદ આરોપીઓએ મળીને ધારાનું ગળું દબાવીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. ગુનો છુપાવવા અને પોલીસથી બચવા માટે આરોપીઓએ લાશને સળગાવીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે પોલીસે ટેકનિકલ એવિડન્સ, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. પોલીસે સુરજ ભુવા સહિત 5 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

લાંબી સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને IPCની કલમ 302 - હત્યા, 201 - પુરાવા નષ્ટ કરવા અને 120B - ષડયંત્ર હેઠળ દોષી જાહેર કર્યા. કોર્ટે તમામને આજીવન કેદની સજા સાથે દંડ પણ ફટકાર્યો છે.

આ ચુકાદા બાદ મૃતક ધારાના પરિવારજનોએ કોર્ટ અને પોલીસનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે "અમને અમારી દીકરી માટે ન્યાય મળ્યો છે."

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ચુકાદો અન્ય લોકો માટે પણ એક ઉદાહરણરૂપ બનશે.

(8:12 PM IST)