<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

બોટાદના કાળુભાર ડેમમાં પ્રેમીયુગલની આપઘાતની આશંકા: ભાઈને ફોન કરીને કૂદી પડ્યાની જાણ કરતા મચી ચકચાર

કેરાળા ગામના યુવક-યુવતી ગુમ થતાં ડેમ કિનારેથી બાઈક અને ચંપલ મળ્યા; ફાયર ટીમ દ્વારા ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી

ગઢડા : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા કાળુભાર ડેમ ખાતે એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં કેરાળા ગામના એક મહિલા અને યુવકે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ડેમમાં ડાઈવર્સની મદદથી સઘન શોધખોળ હાથ ધરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઢડા તાલુકાના કેરાળા ગામના રહેવાસી શીતલબેન વિજયભાઈ શેખ (ઉંમર વર્ષ ૨૫) અને રોહિત ભરતભાઈ સાથળિયા રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. તપાસ દરમિયાન પોલીસને કાળુભાર ડેમ પાસેથી એક બાઈક તેમજ એક પુરુષ અને સ્ત્રીના ચંપલ મળી આવ્યા હતા, જેનાથી શંકા વધુ ગાઢ બની હતી કે આ બંનેએ ડેમમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા ગઢાળી ગામના પૂર્વ સરપંચ પરાક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે બપોરના સમયે રોહિતે તેના ભાઈ અરવિંદભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, 'અમે બંને કાળુભાર ડેમમાં પડીને આપઘાત કરી રહ્યા છીએ,' આ ફોન કૉલ મળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવાર દ્વારા તુરંત જ ગઢડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા ગઢડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડેમની પાળ પરથી મળી આવેલા વાહન અને અંગત વસ્તુઓના આધારે બંને લાપતા વ્યક્તિઓની ઓળખ કેરાળા ગામના શીતલબેન અને રોહિત તરીકે પુષ્ટિ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોટાદથી ફાયર અને રેસ્ક્યૂ ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાળુભાર ડેમના ઊંડા પાણીમાં બંનેની ભાળ મેળવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટનાના પગલે કેરાળા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે હીલચાલ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે, અને પરિવારજનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં કાળુભાર ડેમ ખાતે ઉમટી પડ્યા છે. પોલીસ આ મામલે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, અને આગામી સમયમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થયા બાદ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(10:48 PM IST)