<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગોંડલના વાસાવડમાં પાડોશીને ફાકી ખાઇ અગાસી પરથી પીચકારી મારવાની ના પાડતાં દંપતિ પર હુમલો

શૈલેષભાઇ વાઘેલાને પાડોશી મંજુબેને પકડી રાખ્‍યા, તેના દિકરા લાલો ઉર્ફે ગફારે ઇંટ, ધોકાથી ફટકા માર્યાઃ પત્‍નિ રમાબેનને પણ વાળ પકડી મારકુટ

રાજકોટ તા. ૩૦: ગોંડલના વાસાવડ ગામે રહેતાં દંપતિ પર પાડોશીએ ઇંટ લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. પાડોશી અને તેની પત્‍નિ રાતે જમીને અગાસીએ જાય પછી ફાકી ખાધા બાદ દિવાલ પર પીચકારીઓ મારતાં હોઇ તેને સમજાવવા જતાં આ માથાકુટ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ વાસાવડ ગામે રહેતાં શૈલેષભાઇ બાબુભાઇ વાઘેલા-ખાંટ (ઉ.વ.૩૫) પર સાંજે સાડા છએક વાગ્‍યે પાડોશી ગફાર ઉર્ફે લાલો કરશનભાઇ ભાખોતરા અને તેના બાબ મંજુબેને હુમલો કરી ઇંટ, ધોકાથી માર મારતાં શૈલેષભાઇના પત્‍નિ રમાબેન વચ્‍ચે પડતાં તેને પણ વાળ પકડી પછાડીને માર માર્યો હતો. શૈલેષભાઇને ઇંટ-ધોકાના ઘા લાગ્‍યા હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.

શૈલેષભાઇએ જણાવ્‍યું હતું હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. અમારી બાજુમાં જ ગફાર ઉર્ફે લાલો ખાંટ તેના પરિવાર સાથે રહે છે. રાતે ગફાર અને તેની પત્‍નિ જમીને અગાસીએ જાય છે અને ફાકી-પાન ખાય છે. ત્‍યાંથી તે અમારી દિવાલ તરફ પીચકારીઓ મારતો હોઇ અવાર-નવાર તેને આવુ કરવાની ના પાડી હતી. આ બાબતે સાંજે બોલાચાલી થતાં ગફારના માતા મંજુબેને મને પકડી રાખ્‍યો હતો અને ગફારે ઇંટના ત્રણેક ઘા મારી દીધા હતાં, તેમજ ધોકાથી પણ માર માર્યો હતો. મારા પત્‍નિ રમા વાઘેલા વચ્‍ચે પડતાં તેને પણ વાળ ખેંચી પછાડીને મારકુટ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 AM IST)