<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

દેશની પહેલી ઇન્ટરસિટી એસી રેપીડ રેલ નમો ભારત અધવચ્ચે અટકી જતા પ્રવાસીઓ હેરાન:અમદાવાદથી ભુજ આવતી વખતે ટેકનિકલ ખામી : જુઓ વિડિયો

લોકપ્રિય બનેલ વંદે ભારત કક્ષાની આ ટ્રેન મોડી પડી રહી હોઈ પ્રવાસીઓનો વિશ્વાસ ઘટી રહ્યો છે, એક દિવસ મેઈન્ટેન્સ માટે ફાળવેલો હોવા છતાંએ ટેકનિકલ ખામી?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ગઈકાલે અમદાવાદ ભુજ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેન ટેકનિકલ ક્ષતિના કારણે ભુજ નજીક રતનાલ અને કુકમા વચ્ચે અટકી જતા પ્રવાસીઓ ભારે પરેશાન થયા હતા. સંપૂર્ણ જનરલ એસી કોચ ધરાવતી ટ્રેનમાં એસી બંધ થતાં પ્રવાસીઓએ ગૂંગળામણ અનુભવી હતી. ટ્રેન ટેકનિકલ ફોલ્ટના કારણે અટકી હોવાનું જણાવ્યા બાદ આગળ ક્યારે ઉપડશે તેની કોઈ જાણકારી ન મળતા મધરાતે અટકી પડેલા પ્રવાસીઓએ રેલવે તંત્ર ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો. અંતે ભુજથી ડીઝલ એન્જિન આવ્યા બાદ અઢી કલાક પછી આ ટ્રેન રવાના થઈ શકી હતી. રાત્રે ૧૧ વાગ્યે પહોંચતી ટ્રેન મધરાતે પોણા બે વાગ્યે પહોંચતા પ્રવાસીઓ તેમ જ તેમને લેવા આવનાર સંબંધીઓ પરેશાન થયા હતા. દરરોજ દોડતી આ ટ્રેન મેઈન્ટેન્સ માટે અઠવાડિયે એક દિવસ બંધ રખાય છે. પરંતુ અમદાવાદ જતી વખતે પણ આ ટ્રેન લેટ પડતી હોઈ પ્રવાસીઓ હવે આ ટ્રેનમાં પ્રવાસ કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ કરાયેલ વંદેભારત કક્ષાની દેશની પહેલી ઇન્ટરસિટી એસી રેપીડ રેલ નમો ભારત અમદાવાદ ભુજ વચ્ચે ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની ગઈ છે. સંપૂર્ણ એસી જનરલ કોચ સાથેની ટ્રેન માત્ર ૬ કલાકની અંદર સવારે ઉપડી ભુજ થી અમદાવાદ પહોંચાડતી અને સાંજે પરત અમદાવાદથી પરત વળી રાત્રે ભુજ પહોંચાડતી આ ટ્રેન સૌથી ભરચક્ક રહે છે. લોકો એક જ દિવસમાં સવારે ઉપડી અમદાવાદ ગાંધીનગરનું કામ પતાવી રાત્રે ઘેર પરત ફરી શકે છે. જોકે, અમદાવાદ ઝોનના પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓ દેશની પ્રીમિયમ ગણાતી વંદે ભારત ટ્રેનના મેઈન્ટેન્સ માટે ગંભીર બને એ પ્રવાસીઓના હિત માટે જરૂરી છે.

(12:25 PM IST)