<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સાસણ-ગીર ખાતે 'વિશ્વ સિંહ દિવસ–૨૦૨૬'ની ભવ્ય ઉજવણી સંદર્ભે સંકલન બેઠક યોજાઈ : એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિ માટે વિસ્તૃત આયોજન

નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ TPEO, BRC અને તાલુકા કો-ઓર્ડિનેટર્સ સાથે ચર્ચા : લોકભાગીદારી વધારવા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વધુ બેઠકો યોજાશે

સાસણ-ગીર: આગામી 'વિશ્વ સિંહ દિવસ–૨૦૨૬' ની ઉજવણીને સુવ્યવસ્થિત, ભવ્ય અને સફળ બનાવવાના હેતુથી સાસણ-ગીર ખાતે એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં TPEO, કેન્દ્ર નાયક, BRC, SVS તથા તાલુકા કો-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત થનારી વિવિધ પ્રવૃત્તિઓ, જવાબદારીઓનું વિભાજન, સંકલન વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સુમેળ સાધી કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

 એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિનો મહત્વપૂર્ણ અવસર:

બેઠકમાં વન્યપ્રાણી વિભાગ સાસણ-ગીરના નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ (ભા.વ.સે.) દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લોકભાગીદારી સાથે સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ઉજવણી માત્ર એક સરકારી કાર્યક્રમ નથી પરંતુ એશિયાઈ સિંહોના સંરક્ષણ, જૈવ વિવિધતાના જતન અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો અતિ મહત્વપૂર્ણ અવસર છે. તેમણે તમામ અધિકારીઓ અને સંકલનકારોને પરસ્પર સુમેળ સાથે પોતપોતાની જવાબદારીઓનું નિર્વહન કરી કાર્યક્રમને યાદગાર બનાવવાનો અનુરોધ કર્યો હતો.

 

 આગામી સમયમાં વધુ સંકલન બેઠકોનું આયોજન થશે:

આ આયોજન અંતર્ગત દરેક ટીમ અને સંકલનકારોને તેમની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે રચનાત્મક સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારીઓ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી સંદર્ભે યોજાયેલી આ પ્રથમ બેઠક હતી. આગામી સમયમાં વિશ્વ સિંહ દિવસને વધુ ભવ્ય અને લોકભાગીદારીયુક્ત બનાવવા માટે વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે વધુ સંકલન બેઠકો યોજવામાં આવશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:13 PM IST)