News of Wednesday, 15th July 2026
પાટણના હારિજ ગામના "ઝાપટપુરા" નું નામ "ઇસ્લામપુરા" કરાતા વિવાદ: હિન્દુ સેનાએ મુખ્યમંત્રીને પત્ર લખી નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી : જુઓ વિડિયો
હિન્દુ સેનાની ચેતવણી - "ઝાપટપુરા ને ક્યારેય ઇસ્લામપુરા થવા નહીં દઈએ", નામ બદલવાના ષડયંત્ર પાછળના લોકોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ : ગુજરાતના પાટણ જિલ્લાના હારિજ ગામમાં આવેલા "ઝાપટપુરા" વિસ્તારનું નામ અચાનક "ઇસ્લામપુરા" કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જી છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે વિસ્તારમાં અગાઉ હિન્દુ વસ્તીનું પ્રભુત્વ હતું ત્યાં છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ વસ્તીમાં વધારો થયો છે. આ દરમિયાન જ વિસ્તારનું નામ બદલીને "ઇસ્લામપુરા" કરી દેવાયું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હિન્દુ સમાજ અને હિન્દુ સેનાના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
આ ગંભીર મુદ્દાને લઈને હિન્દુ સેના ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવીને તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. હિન્દુ સેનાએ પોતાના પત્રમાં તંત્ર સમક્ષ 3 મુખ્ય સવાલો રજૂ કર્યા છે. પ્રથમ, ઝાપટપુરાનું નામ શું કોઈ સત્તાવાર અને કાયદેસરની પ્રક્રિયાથી બદલવામાં આવ્યું છે? બીજો સવાલ, જો નામ બદલાયું હોય તો તે ક્યારે અને કોના ઈશારે કરવામાં આવ્યું? અને ત્રીજો સવાલ, શું આ સમગ્ર પ્રકાર નિયમોનું ઉલ્લંઘન કરીને સમાજમાં ભ્રમ ફેલાવવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે?
આ અંગે પ્રતિક્રિયા આપતા હિન્દુ સેના ગુજરાતના ઉપાધ્યક્ષ વિનય શર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "જો તપાસમાં એવું સામે આવે કે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કાયદા વિરુદ્ધ જઈને આ નામ બદલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે, તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને જાહેરમાં લાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ."
વિનય શર્માએ ગર્ભિત ચેતવણી આપતા કહ્યું કે, "હિન્દુ સેના પાટણ જિલ્લાના હારિજ ગામના 'ઝાપટપુરા' ને કોઈપણ ભોગે 'ઈસ્લામપુરા' થવા નહીં દે". તેમણે સરકારશ્રીને માંગ કરી કે સરકારના નીતિ નિયમોને આધીન રહીને સમાજમાં ભ્રમ ફેલાવનાર અને આવી પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હાલ સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.તેમ વિનય શર્મા ઉપાધ્યક્ષ, હિન્દુ સેના ગુજરાત
મો. 8490088823 ની યાદીમાં જણાવાયું છે.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
