તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ચોમાસાની ઋતુમાં સંભવિત જોખમોને ધ્યાને લઈ જામનગરના દરિયામાં માછીમારી કરવા જવા પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૦૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી દરિયાઈ વિસ્તારમાં બોટોની અવરજવર પર મનાઈહુકમ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

જામનગર :આગામી ચોમાસાની ઋતુ દરમિયાન તોફાની દરિયા અને પ્રતિકૂળ હવામાનને કારણે માછીમારોની સુરક્ષા તેમજ જાનમાલનું જોખમ અટકાવવા માટે જામનગર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયામાંથી માછીમારી કરવા જવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અન્વયે આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ થી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ બંને દિવસો સહિતના સમયગાળા દરમિયાન કોઈપણ માછીમાર કે અન્ય વ્યક્તિઓએ માછીમારીના હેતુસર કે અન્ય કોઈ કારણોસર સમુદ્ર અથવા ક્રીક વિસ્તારમાં જવું નહીં તેમજ કોઈપણ પ્રકારની બોટની અવરજવર કરવી નહીં.
સામાન્ય રીતે દર વર્ષે જૂન માસથી ચોમાસાના પ્રારંભ સાથે દરિયો તોફાની બનતો હોય છે, જેના કારણે વાવાઝોડા, ભારે વરસાદ કે ભારે પવનની સ્થિતિમાં સમુદ્રમાં ગયેલા માછીમારોને સમયસર હવામાન અંગેની ચેતવણી કે કટોકટીના સંદેશા પહોંચાડવા અત્યંત મુશ્કેલ બને છે. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આવી જોખમી સીઝનમાં માછીમારીની પરવાનગી આપવામાં આવતી નથી, છતાં અનઅધિકૃત રીતે દરિયામાં જવાના કારણે જાનનું જોખમ ઊભું થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાને લઈ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગર દ્વારા મળેલ દરખાસ્તના આધારે આ મનાઈહુકમ જારી કરાયો છે.
આ જાહેરનામામાંથી પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની બોટો તેમજ સક્ષમ અધિકારી દ્વારા અવરજવર માટે અધિકૃત કરાયેલી પેસેન્જર બોટો, નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન-યાંત્રિક એક લાકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
