તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 28th April 2026
જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો ઘોર સફાયો, ભાજપનો દબદબો; "આપ"નું ખાતું ખુલ્યું પણ માત્ર બે બેઠકો પૂરતું
કોંગ્રેસ અને "આપ"માંથી જીતેલા બે ઉમેદવારો કે જે બંને ગુજસીટોક ના આરોપી, અને જેલમાંથી ચૂંટણી લડીને જીત્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જેમાં વિપક્ષોને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટી, જેણે આ ચૂંટણીમાં ૬૨ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી ૬૦ ઉમેદવારો પરાજિત થયા છે, અને માત્ર બે બેઠકો સુધી સીમિત રહી છે.
કોંગ્રેસને મળેલી આ બે બેઠકો વોર્ડ નંબર ૧૨માંથી મળી છે, જેમાં એક ઉમેદવાર જેલવાસ ભોગવી રહ્યા હોવા છતાં તેમના સમર્થકોએ જીત અપાવી છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ વિજયી બન્યા છે. અગાઉ મહાનગરપાલિકામાં દોઢ ડઝન જેટલી બેઠકો ધરાવતી કોંગ્રેસ આ વખતે માત્ર બે બેઠકોમાં સીમિત થઈ ગઈ છે, જે પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો ગણાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતે પણ વોર્ડ નંબર ૧ માંથી ચૂંટણી લડી રહ્યા હતા, જે વિસ્તારને સુરક્ષિત ગણાતો હતો, તેમ છતાં મતદારો દ્વારા તેમને સ્વીકાર ન મળતા તેમની હાર થઈ છે. આ પરિણામોએ કોંગ્રેસના સંગઠન અને મતદારોના મિજાજ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં સક્રિય ભાગ લીધો હતો અને અંદાજે ૫૦ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારો દ્વારા ટેકો પાછો ખેંચવાનો અને પક્ષપલટાની ઘટનાઓ વચ્ચે, આખરે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલવામાં સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૧૨માંથી 'આપ' પાર્ટીના બે ઉમેદવારો વિજેતા બન્યા છે, જેમાં કોંગ્રેસમાંથી અલગ થઈ આપમાં જોડાયેલા ઉમેદવાર તથા જેલમાં રહેલા અસલમ ખિલજીનો સમાવેશ થાય છે. બીજા ઉમેદવાર એડવોકેટ જેનબબેન ખફી વિજેતા થયા છે.
આ રીતે, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જ્યારે કોંગ્રેસનો લગભગ સફાયો થયો છે, અને આમ આદમી પાર્ટીનો ઉદય નોંધાયો હોવા છતાં તે માત્ર બે બેઠકો પૂરતો જ સીમિત રહ્યો છે. આ પરિણામો શહેરના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો દર્શાવે છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
