<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

કચ્છમાં ખેડૂતોનાં દેવા માફીથી લઈ જનતાના પ્રશ્નો સુધી કોંગ્રેસ લડત આપશે

“મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોનાં દેવા માફ કરી શકે તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહીં?” — સુનીલ કેદારનો સવાલ; ખેડૂતોનાં રૂ. ૩ લાખ સુધીનાં દેવા માફ કરવાની માગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ :  ‘મત બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ કેદારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોના દેવા માફી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જનસમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘેરતાં સુનીલ કેદારે સવાલ ઉઠાવ્યો હતો કે, “જો મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોનાં દેવા માફ કરી શકે તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહીં?” તેમણે ગુજરાતના ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને ખેડૂતોનાં રૂ. ૩ લાખ સુધીનાં દેવા માફ કરવાની માગણી કરી હતી. ખેડૂતોને પૂરતી રાહત આપવાની જવાબદારી સરકારની છે અને આ મુદ્દે કોંગ્રેસ મજબૂત લડત આપશે, તેમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હુંબલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૮માં અતિવૃષ્ટિનો સમયગાળો હતો ત્યારે તત્કાલીન ભાજપની રાજ્ય સરકારે ખેડૂતોને બે હેક્ટર દીઠ રૂ. ૪૪,૦૦૦નું ચૂકવણું કર્યું હતું. આજ ભાજપ સરકારે હમણાં દુષ્કાળ વર્ષ જાહેર કરીને બે હેક્ટર દીઠ રૂ. ૧૭,૦૦૦ની જાહેરાત કરી ખેડૂતોને જાણે નવી લોલીપોપ આપી હોય એવો આક્ષેપ શ્રી હુંબલેએ કર્યો હતો. વધુમાં શ્રી હુંબલે ખેડૂતોનાં રૂ. ૩ લાખ સુધીનાં લેણાં માફ કરવા સરકારને અનુરોધ કર્યો હતો.

શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, વીજળી, રોજગાર, મોંઘવારી, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સ્પર્શતા અનેક મુદ્દાઓ કચ્છ જિલ્લામાં છે. આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડત લડશે તેમજ પ્રજાના પ્રાણપ્રશ્નો અંગે સરકાર સમક્ષ ન્યાય અપાવશે, તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું.

શ્રી સુનીલ કેદારે રાજ્ય સરકાર પર વધુ એક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના ખેડૂતો સહિત રાજ્યની જનતા, મહિલાઓ અને યુવાનો આરોગ્ય, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રોમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છે. વધુમાં તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી રાજ્યમાં કોંગ્રેસનું શાસન ન હોવા છતાં જિલ્લા, તાલુકા, શહેર અને બૂથ લેવલ સુધી કોંગ્રેસના કાર્યકરો પક્ષ માટે ઝઝૂમી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ હજી વધુ સંગઠન મજબૂત બનાવે તો કોંગ્રેસ સત્તાથી દૂર નથી અને આપણે ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવીએ એ દિવસો દૂર નથી. હાલમાં ૧લી નવેમ્બરે રામલીલા મેદાન, દિલ્હી ખાતે યોજાનારી ‘મત બચાવો, દેશ બચાવો’ તેમજ ‘સંવિધાન બચાવો’ રેલીમાં કચ્છ સહિત ગુજરાતની જનતાને હજારોની સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.

આ બેઠકમાં ‘લોકશાહી બચાવો’, ‘સંવિધાન બચાવો’ અને ‘મત બચાવો, દેશ બચાવો’ જેવા અભિયાનોને જનજન સુધી પહોંચાડવા તેમજ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. કુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બક્ષીપંચ સેલના પ્રમુખ મહેશ રાજપૂત, સ્થાનિક આગેવાનો અને પૂર્વ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શ્રી નીતેશ લાલણ, ભરત સોલંકી, કલ્પનાબેન જોષી, ભરત ગુપ્તા, કિશોરદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કારોબારી બેઠકનું સંચાલન જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ કરી હતી. આયોજનની વ્યવસ્થા ગની કુંભાર અને લાખાજી સોઢાએ કરી હતી. આ કારોબારી બેઠકમાં વરિષ્ઠ આગેવાનો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, તાલુકા-શહેરના પ્રમુખો, સેલ પાંખના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છના ખેડૂતો સહિત સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપવા અને આગામી સમયમાં જનઆંદોલનો દ્વારા સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(9:30 AM IST)