<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

મોરબીમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે કોંગ્રેસ લાલઘૂમ : ‘વિરોધમાં કામ કરનારાને પાણી નહીં મળે’ તેવા નિવેદનથી રાજકીય ગરમાવો : જુઓ વિડીયો

મહેન્દ્રનગરના પીવાના પાણીના પ્રશ્ને રજૂઆત કરનાર નાગરિકને વોટ્સએપ ગ્રુપમાંથી અપમાનિત કરી કાઢી મુકાયા : પૂર્વ પ્રમુખ મુકેશ ગામી દ્વારા ભાજપની કિન્નાખોરી અને રાગદ્વેષના રાજકારણ સામે જડબાતોડ જવાબ આપવાની ચીમકી

 પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી:  મોરબીના વોર્ડ નંબર ૩ હેઠળ આવતા મહેન્દ્રનગર વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે સત્તાધારી પક્ષના કોર્પોરેટરની કથિત જોહુકમી સામે આવતા વિવાદ સર્જાયો છે. કાળઝાળ ઉનાળામાં પાણી માટે વલખાં મારતા નાગરિકોની રજૂઆત સાંભળવાને બદલે ‘ભાજપ વિરુદ્ધ કામ કરનારાને પાણી નહીં મળે’ તેવું વલણ અપનાવતા કોંગ્રેસના અગ્રણી મુકેશ ગામી દ્વારા ભાજપની આ દાદાગીરી સામે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે.

 રજૂઆત કરનાર નાગરિકને ગ્રુપમાંથી કાઢી મુકતા વિવાદ વકર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મહેન્દ્રનગર ગામમાં હાલમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ અંગે ભાજપ વોર્ડ નંબર ૩ના અધિકૃત વોટ્સએપ ગ્રુપમાં ‘પ્રભુકૃપા’ વિસ્તારના એક આગેવાને નમ્રતાપૂર્વક રજૂઆત કરી હતી. જોકે, ચૂંટાયેલા કોર્પોરેટરે ઉકેલ લાવવાને બદલે રજૂઆતકર્તાને અપમાનિત કર્યા હતા. આક્ષેપ છે કે કોર્પોરેટરે એવું કહીને તેમને ગ્રુપમાંથી બહાર કરી દીધા હતા કે, ‘આ લોકોએ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું, તેથી તેમને પાણી આપવાનું થતું નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.’ સત્તાના નશામાં ચૂર થઈને જનતા સાથે આવું વર્તન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 કોંગ્રેસ મેદાનમાં: લોકશાહીના ચીંથરેહાલ ઉડાડતા હોવાના આક્ષેપ

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામી દ્વારા આ મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ વિસ્તારને પોતાની વારસાઈ પેઢી માનતા હોય તેવું વર્તન કરી રહ્યા છે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ માટે પક્ષ-વિપક્ષના ભેદભાવ વિના તમામ નાગરિકો સમાન હોવા જોઈએ. ભાજપ દ્વારા રાખવામાં આવતી આ કિન્નાખોરી અને રાગદ્વેષના રાજકારણને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

 જડબાતોડ જવાબ અને આંદોલનની ચીમકી

મુકેશ ગામી દ્વારા વધુમાં જણાવાયું છે કે, જો વિસ્તારના તમામ લોકોને યોગ્ય અને સુગમ વ્યવસ્થા મળી નહીં રહે તો આગામી સમયમાં કોંગ્રેસના આગેવાનો અને સમગ્ર વિસ્તારની જનતાને સાથે રાખીને મોટું આંદોલન છેડવામાં આવશે. ભાજપના કોર્પોરેટરો જે પ્રકારે કિન્નાખોરી રાખીને સામાન્ય જનતાને હેરાન કરી રહ્યા છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાણી જેવી પાયાની જરૂરિયાત પર રાજકારણ રમીને નાગરિકોને વંચિત રાખવાની આ વૃત્તિ સામે કોંગ્રેસે લડાયક મૂડ અપનાવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હક માટે લડત ચલાવવાની ખાતરી સાથે કોંગ્રેસે ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જનતા વચ્ચે જવાની રણનીતિ તૈયાર કરી છે.

(2:40 PM IST)