News of Monday, 11th May 2026
વડાપ્રધાનના જામનગર પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતાઓ નજરકેદ : વિરોધ પ્રદર્શનની આશંકાએ પોલીસે આગોતરી કાર્યવાહી કરી
વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, રચનાબેન નંદાણીયા સહિતના આગેવાનોને ઓફિસ અને નિવાસસ્થાને પોલીસ પહેરા હેઠળ રખાયા : પીએમના પ્રસ્થાન બાદ તમામની મુક્તિ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમન અને રાત્રિ રોકાણને પગલે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન કે અણધારી સ્થિતિને ટાળવા માટે પોલીસે જામનગર શહેર કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓને નજરકેદ કર્યા હતા.
ઓફિસ અને નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાની લાલબંગલા વિસ્તાર નજીક રણજીત ટાવરમાં આવેલી ઓફિસ ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરેન્દ્રસિંહ જાડેજાની સાથે યુવા અગ્રણી મહિપાલસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા અને પ્રમોદસિંહ રાજપૂત સહિતના આગેવાનોને પણ આ જ સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના પૂર્વ કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને પણ તેમના નિવાસસ્થાને પોલીસ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા.
સુરક્ષાના કારણોસર લેવાયેલા પગલાં
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન કોઈ રાજકીય વિરોધ ન થાય અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે હેતુથી આ આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ નેતાઓની ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વહેલી સવારે જામનગરથી સોમનાથ જવા રવાના થયા બાદ આ તમામ રાજકીય આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે પીએમના પ્રવાસ દરમિયાન શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત અને એસપીજી સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. આ અટકાયતના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
