તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
કોંગ્રેસે વર્ષો સુધી સંવિધાન અને શિલ્પીઓનો અનાદર કર્યો, નરેન્દ્રભાઈ મોદીએ બાબાસાહેબને સાચું સન્માન આપ્યું - ખંભાળિયામાં જગદીશભાઈ વિશ્વકર્માનો પ્રહાર
દ્વારકાધીશ કોરિડોર અને સુદર્શન બ્રિજ ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ : નીતિ અને નેતા વિહોણી કોંગ્રેસે 'ગુંડા રાજ' આપ્યું જ્યારે ભાજપાએ ગુજરાતને આપ્યો સર્વાંગી વિકાસ

ખંભાળિયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાટિયા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જાહેરસભા સંબોધી હતી. 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે સંબોધનનો પ્રારંભ કરતા તેમણે બંધારણના શિલ્પી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસે સંવિધાન અને તેના શિલ્પીઓનો અનાદર કર્યો, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાથીની અંબાડી પર સંવિધાનની યાત્રા કાઢીને બાબાસાહેબને સાચું સન્માન આપ્યું હતું.
વિકાસના કામોનો હિસાબ અને કોંગ્રેસની નિષ્ફળતા:
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, ભાજપ એક એવી પાર્ટી છે જે કામનો હિસાબ આપે છે. કોંગ્રેસના શાસનમાં માત્ર 'ગુંડા રાજ' અને 'ટેન્કર રાજ' જોવા મળતું હતું, જ્યારે ભાજપે ગુજરાતને કર્ફ્યુમુક્ત, ટેન્કરમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત બનાવ્યું છે. દ્વારકાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, દ્વારકાધીશ કોરિડોર, સુદર્શન બ્રિજ, શિવરાજપુર બીચનો વિકાસ અને મેડિકલ કોલેજની જાહેરાત એ ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભાજપ કરે છે, તેનું લોકાર્પણ પણ ભાજપ જ કરે છે.
નર્મદા યોજના અને ભ્રષ્ટાચાર પર પ્રહાર
સરદાર સરોવર ડેમ વિશે બોલતા તેમણે કહ્યું કે, સરદાર સાહેબનું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું છે અને આજે 75,000 કિમીના નર્મદા નેટવર્કથી ઘરે-ઘરે પાણી પહોંચ્યું છે. વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી સોનાની ચમચી સાથે જન્મ્યા છે અને કોંગ્રેસે વર્ષો સુધી જનતાનું લોહી ચૂસીને ભ્રષ્ટાચારના કિલ્લા ચણ્યા છે. કોંગ્રેસ પાસે આજે અનેક બેઠકો પર ઉમેદવારો પણ નથી અને જે છે તેમને પણ સંતાડી તિજોરીમાં બંધ કરવા પડ્યા છે.
કાર્યકરોને વિજય માટે આહ્વાન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવી તેમણે જિલ્લાની તમામ 162 બેઠકો પર કમળ ખીલવવા કાર્યકરોને હાકલ કરી હતી. તેમણે સૌ કાર્યકરોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સાથે પ્રજા વચ્ચે જવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, જિલ્લા પ્રમુખ મયુરભાઇ ગઢવી, પ્રભારી પુનિતભાઇ શર્મા, ધારાસભ્યઓ અને ભાજપાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
