News of Friday, 29th May 2026
ભુજમાં નાગરિક સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસનો આક્રમક મિજાજઃ સીટી બસ અને વીજ ધાંધિયા મુદ્દે ઉગ્ર રજૂઆત
સુધરાઈમાં શાસક પક્ષ સાથે વાક્યુદ્ધ, પીજીવીસીએલને આંદોલનની ચીમકી, નવા ચૂંટાયેલા નગરસેવકો લોક સમસ્યાઓ ઉકેલવા મેદાને

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯: ૪૧ વર્ષથી ભુજમાં ભાજપ શાસિત નગરપાલિકાનું શાસન છે. પણ, સરકાર દ્વારા ફાળવાતી કરોડો રૂ.ની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના ભોરિગને કારણે વણ ઉકેલાયેલી સમસ્યાઓને કારણે આ વખતે લોકમિજાજ ભાજપ માટે અગ્નિપરીક્ષા સમો રહ્યો હતો. આ વખતે વિરોધ પક્ષ કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું છે. વળી નવા અને જૂના કોંગ્રેસી નગરસેવકો જન સમસ્યાઓના મુદ્દે આક્રમક છે. દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન કરતા કચ્છ જિલ્લામાં દીવા તળે અંધારું છે અને જિલ્લા મથક ભુજ શહેરમાં તો વીજ ધાંધિયા પરાકાષ્ઠાએ છે એકાએક લાઈટ ગુલ થવી ફરિયાદ કરીએ તો ફોન ન ઉપાડવા એ જાણે રોજિદી આદત બની ગઈ છે. કોંગ્રેસના નગરસેવકોએ પીજીવીસીએલમાં અધિકારીઓને ભુજને લાંબા સમયથી કનડતી વીજ સમસ્યા ને ઉકેલવા નહીં તો આંદોલનનો સામનો કરવા ચીમકી આપી છે.
બીજી રજૂઆત ભુજ નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખ શીતલ શાહ અને અન્ય હોદ્દેદારોને સીટી બસ શરૂ કરવા માટે કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ ભુજ માટે સીટી બસ સેવા શરૂ કરવા જાહેર કરેલી ગ્રાન્ટના હવાલા અને વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલની ભાજપના શાસકોને કોંગ્રેસે યાદ અપાવી હતી. ભૂકંપ બાદ ૫૬ કિમીમાં વિસ્તરેલા ભુજમાં લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ન હોઈ મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા પડે છે. રજુઆત દરમ્યાન એક તબક્કે જીભાજોડી થતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જોકે, પાલિકા પ્રમુખ શીતલ શાહે મામલો શાંત પાડી સીટી બસ સેવા માટે યોગ્ય કરવા ખાતરી આપી હતી. કોંગ્રેસ પક્ષે નગરસેવકો કિશોરદાન ગઢવી, ફકીરમામદ કુંભાર, અંજલિ ગોર, આયસુબેન સમા અને અન્ય નગરસેવકો, કાર્યકરો જોડાયા હતા.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
