<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જામનગરના રણમલ તળાવમાં ઘડિયાળી કૂવો દેખાતાં ચિંતાનો માહોલ:જૂન પૂર્ણ અને જુલાઈ અડધો, છતાં જામનગરમાં મેઘરાજાની મહેર નહીં

શહેરના ગૌરવ સમાન રણમલ તળાવનું પાણી ઘટતાં ઐતિહાસિક ઘડિયાળી કૂવો બહાર આવ્યો

જામનગર: ચોમાસાની ઋતુનો જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છે, અને જુલાઈ મહિનો પણ અડધો થવા આવ્યો છે, છતાં જામનગર શહેરમાં હજુ સુધી સંતોષકારક વરસાદ નોંધાયો નથી. છેલ્લા પંદરેક દિવસથી શહેરમાં મેઘાડંબર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે શહેરના ગૌરવ સમાન રણમલ તળાવનું જળસ્તર સતત ઘટી રહ્યું છે.
રણમલ તળાવમાં પાણીનું સ્તર ઘટતાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન પાણીમાં ડૂબી રહેતો ઐતિહાસિક ઘડિયાળી કૂવો હવે સ્પષ્ટપણે નજરે પડવા લાગ્યો છે. સામાન્ય રીતે સારા વરસાદ બાદ આ કૂવો સંપૂર્ણપણે પાણીમાં સમાઈ જાય છે, પરંતુ આ વર્ષે વરસાદના અભાવે તે ફરીથી બહાર દેખાતા જામનગરમાં વરસાદની અછતનું જીવંત ચિત્ર સામે આવ્યું છે.
જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થઈ જતાં ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ શહેર અને આસપાસના વિસ્તારમાં હજુ સુધી મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી નથી. પરિણામે રણમલ તળાવના પાણીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન સારો વરસાદ થતાં રણમલ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ઘડિયાળી કૂવો પાણીમાં ડૂબી ગયો હતો. જ્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા કૂવો ફરી બહાર દેખાતા શહેરવાસીઓમાં ચિંતા વ્યાપી છે.
હવે શહેરવાસીઓ કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા સેવી રહ્યા છે. જામનગરમાં વરસાદની અછતને કારણે રણમલ તળાવનું પાણી ઘટી રહ્યું હોવાનું આ દૃશ્યો સ્પષ્ટ રીતે દર્શાવે છે

(12:55 AM IST)