તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
દ્વારકા પોલીસની પ્રશંસનીય કામગીરી : ખોવાયેલો 20 હજારનો મોબાઈલ 3 મહિના બાદ શોધીને કચ્છના યાત્રિકને ઘરે પહોંચાડ્યો
દર્શન દરમિયાન ગેટ નં. 2 પાસે ખિસ્સામાંથી પડી ગયો હતો ફોન, કોઈ ફરિયાદ વગર જ પોલીસે કોન્ટેક્ટ કરી બસ મારફતે પરત મોકલ્યો : કચ્છના વાઘેલા પરિવારે માન્યો આભાર

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૮ : દેવભૂમિ દ્વારકામાં આવતા યાત્રિકોની સુરક્ષા અને સેવામાં દ્વારકાધીશ મંદિર સુરક્ષા પોલીસ સતત કાર્યરત છે, ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો સામે આવ્યો છે.
કચ્છ-ભુજના મોટા કપાયા ગામના શક્તિ કૃપા મેડિકલ સ્ટોરના માલિક ગુલાબભાઈસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા થોડા માસ પહેલા પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. બપોરે મંદિર બંધ હોવાથી તેઓ સાંજે 5 વાગ્યે દર્શને ગયા હતા. તે દરમિયાન મંદિરના ગેટ નંબર-2 પાસે તેમના ખિસ્સામાંથી OPPO કંપનીનો અંદાજે રૂ. 20,000 ની કિંમતનો મોબાઈલ સરી પડી ગયો હતો. દર્શન કરીને તેઓ ઘરે પરત ફર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો, પરંતુ તેમણે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
આ ખોવાયેલો મોબાઈલ મંદિર સુરક્ષા પોલીસને મળી આવ્યો હતો અને સુરક્ષા શાખામાં જમા હતો. તાજેતરમાં મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અવિરાજસિંહ જાડેજાએ મોબાઈલમાંથી મળેલી વિગતોના આધારે માલિકનો સંપર્ક કર્યો હતો. તેમણે ગુલાબભાઈસિંહને ફોન કરી મોબાઈલનું બિલ અને આધાર કાર્ડ મોકલવા જણાવ્યું હતું.
ખરાઈ કર્યા બાદ પોલીસે પ્રાઇવેટ બસ મારફતે કોઈ પણ ખર્ચ વગર આ મોબાઈલ કચ્છ-મુન્દ્રા ખાતે તેમના ઘરે પહોંચાડી દીધો હતો.
પોતાનો મોબાઈલ પરત મળતા ખુશ થયેલા ગુલાબભાઈસિંહે દ્વારકાધીશ મંદિર સુરક્ષાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આભાર પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, "મેં કોઈ અરજી કે અપેક્ષા રાખી ન હતી, તેમ છતાં પોલીસ વિભાગ દ્વારા મારો 20 હજારનો ફોન મને પરત મોકલી આપ્યો, જે ખૂબ જ સરાહનીય કામગીરી છે. હું દિલથી આભાર માનું છું."દ્વારકા પોલીસની આ કામગીરીને સ્થાનિકો અને યાત્રિકોમાં બિરદાવવામાં આવી રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
