<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કચ્છમા મહિલા શક્તિના હાથમાં વહીવટની કમાન: મંત્રી, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપીથી માંડી વિવિધ અધિકારીઓ તરીકે દીકરીઓએ સંભાળ્યું સત્તાનું સુકાન

કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઇ આગવી પહેલ, મોક સંકલન દ્વારા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વહીવટી કામગીરીથી માહિતગાર કરવાનો પ્રેરક પ્રયાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : દીકરીઓ માત્ર ભણે નહીં પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેનું ઉદાહરણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રની એક આગવી પહેલરૂપે જોવા મળ્યું હતું. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે મોક સંકલન યોજી હતી. મોક સંકલનના માધ્યમથી દીકરીઓ મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓ તથા કલેક્ટરશ્રી, એસ.પીશ્રી, ડીડીઓશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અદા કરીને તેમની કામગીરી તેમજ વહીવટી પ્રક્રિયાથી પરિચિત બનીને ગ્રહણ કરેલ હોદા માટે એક ગૌરવપૂર્ણ લાગણી અનુભવી હતી. 

ભુજ ખાતે કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ “મોક સંકલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧૦ થી કોલેજ સુધીનો અભ્યાસ કરતી ૧૦૬ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.  દર માસે યોજાતી સંકલનની પ્રતિકૃતિરૂપ આજે યોજાયેલી મોક સંકલનમાં આ વિદ્યાર્થિનીઓ રાજ્યમંત્રીશ્રી, સાંસદશ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છને સતાવતા પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આ સાથે કલેક્ટરશ્રી, એસ.પી.શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વહીવટના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવીને તેના ઉકેલ સાથે તેના જવાબ આપીને મોક સંકલનમાં ભાગ લીધો હતો. બેઠકમાં વિદ્યાર્થિનીઓએ પોતાની ભૂમિકા બખૂબી બજાવીને કચ્છના વિવિધ વિસ્તારના આરોગ્ય, મહિલા, રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરીને તેના ઉકેલ અંગે મનોમંથન કર્યું હતું. 

 

મોક સંકલનમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે પણ હાજર રહ્યા હતા. 

 

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ અનોખા કાર્યક્રમના આયોજન માટે અભિનંદન પાઠવતા દીકરીઓ ભવિષ્યમાં પદાધિકારી અને અધિકારી બને તેવી શુભકામના પાઠવી હતી. કલેક્ટરશ્રીએ દર માસે યોજાતી સંકલન બેઠકનું મહત્વ, બેઠકની કાર્યવાહી, ફળશ્રુતિ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની ભૂમિકા, પ્રશ્નોનું નિરાકરણ સહિતની માહિતીથી દીકરીઓને અવગત કરીને વહીવટી કામગીરીના પાઠ ભણાવ્યા હતા. રાજ્ય સરકારની લોકસેવા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધ વ્યક્ત કરતા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થિનીઓને દિલથી અભ્યાસ કરીને પોતે સેવેલા સપના સાકાર કરવા શુભેચ્છા આપી હતી. 

 

    ઉલ્લેખનીય છે કે, જે રીતે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ બેઠકમાં ભાગ લેવા સરકાર દ્વારા ફાળવાયેલી ગાડીમાં આવતા હોય છે તે જ રીતે દીકરીઓ પણ પોતે ગ્રહણ કરેલા હોદાની રૂએ સરકારી ગાડીમાં બેઠકમાં ભાગ લેવા આવી પહોંચી હતી. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રી બનવા સાથે હોદાની રૂએ જવાબદારી તથા ફરજ અદા કરીને વિદ્યાર્થિનીઓ ખુશી તથા ગૌરવ સાથે ભાવુક બની હતી.

(9:31 AM IST)