<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ધારીમાં સિંહ દર્શનની માથાકૂટ: રેસ્ક્યૂ કરેલા સિંહોને જોવાની જીદે ચઢેલા ત્રણ શખ્સોનો ફોરેસ્ટર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી!

​ ચલાલા-ગોપાલગ્રામ રોડ પર ફોરેસ્ટરની ગાડી રોકી બોલાચાલી કરી; ગાડી રિવર્સ લેતી વખતે વનકર્મી ઈજાગ્રસ્ત : ​અસીમ શાપ ઉર્ફે ગુલાબ લલીયા સહિત ૩ ઈસમો સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

​અમરેલી/ધારી: અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં સિંહ દર્શનની ગેરકાયદે માગણીને લઈને વન વિભાગના કર્મચારી પર હુમલો કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રેસ્ક્યૂ કરાયેલા સિંહોને સલામત સ્થળે લઈ જઈ રહેલા ફોરેસ્ટર શિવરાજ ધાધલ પર ફોર્ચ્યુનર કારમાં આવેલા ત્રણ શખ્સોએ હુમલો કરી, સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

​શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, ફોરેસ્ટર શિવરાજ ધાધલ રેસ્ક્યૂ કરાયેલા સિંહોને રેવન્યુ વિસ્તાર તરફ લઈ જવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ચલાલા-ગોપાલગ્રામ રોડ પર એક ફોર્ચ્યુનર કાર લઈને આવેલા ત્રણ ઈસમોએ ફોરેસ્ટરના વાહનને આંતરીને રોક્યું હતું અને અંદર રહેલા સિંહોનું દર્શન કરાવવા માટે દબાણ કર્યું હતું.
​ના પાડતાં જ ગાળાગાળી અને હુમલો
ફરજ પર તૈનાત ફોરેસ્ટરે સુરક્ષાના કારણોસર સિંહો બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય ઈસમોએ ફોરેસ્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ પોતાની ફોર્ચ્યુનર કાર રિવર્સ લેતી વખતે ફોરેસ્ટરને અડફેટે લેતાં તેમના કાંડાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
​૩ આરોપીઓ સામે ગુનો દાખલ
આ બનાવ બાદ વનકર્મી શિવરાજ ધાધલે ચલાલા પોલીસ મથકનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી છે.
 પોલીસે આ મામલે અસીમભાઈ શાપભાઈ ઉર્ફે ગુલાબભાઈ લલીયા સહિત અન્ય બે અજાણ્યા ઈસમો સામે સરકારી કર્મચારી પર હુમલો કરવા, ફરજમાં રુકાવટ પહોંચાડવા અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો દોર સંભાળ્યો છે.

(2:22 PM IST)