<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભચાઉમાં બે જૂથો વચ્ચે ધીંગાણું: જૂની અદાવત વચ્ચે ઈન્સ્ટાગ્રામમાં ધમકી આપવા મુદ્દે ધારિયા, તલવાર, ધોકા ઉલળ્યા : ૧૨ ને ઈજા

બંને પક્ષના વડીલો વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હતી,આગામી દિવસની બેઠક નક્કી થાય તે પહેલાં જ રાત્રિના સમયે મામલો બિચક્યો : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : કચ્છના ભચાઉમાં આર્મી સર્કલ પાસે અડધી રાત્રે બે જૂથ વચ્ચે ઇન્સ્ટાગ્રામ આઇડી અને સ્ટોરી પર કોમેન્ટ-ધમકી આપવા મુદ્દે  સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું, જેમાં ૧૨થી ૧૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસક અથડામણ બાદ પોલીસ મથકે બંને પક્ષે સામસામે કુલ ૩૨ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવનું મુખ્ય કારણ જૂની અદાવત અને સોશિયલ મીડિયા વિવાદ હોવાનું બહાર આવ્યું છે. આ વિવાદની શરૂઆત અંદાજે બે મહિના પહેલાં ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં રસ્તા પરથી વાહન લાવવા-લઇ જવા બાબતે બારોટ અને કાંઠેચા પરિવાર વચ્ચે થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી તેમાં કોમેન્ટ કરવા અને ધમકીઓ આપવાના કારણે બંને પક્ષો વચ્ચે મનદુઃખ વધુ વકર્યું હતું. સમાધાનની બેઠક પહેલાં જ આ બબાલ સર્જાઈ હતી. આ બાબતે બંને પક્ષના વડીલો વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હતી. આગામી દિવસની બેઠક નક્કી થાય તે પહેલાં જ રાત્રિના સમયે મામલો બિચક્યો હતો. ભચાઉના આર્મી સર્કલ પાસે બંને જૂથો સામસામે આવી ગયા હતા અને તલવાર, ધારિયા, લાકડીઓ તેમજ પથ્થરો વડે એકબીજા પર હિંસક હુમલો કર્યો હતો. આ ધીંગાણામાં ૧૨થી ૧૪ જેટલા લોકો લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલા દરમિયાન વાહનો (કાર)માં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભચાઉ પોલીસે બંને પક્ષોની સામસામે લીધેલી ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ કુલ ૩૨ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કર્યો છે. આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા હાથમાં લેનારા આરોપીઓની અટકાયત કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

(9:37 AM IST)