<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

૧૧ વર્ષ જુના નોટરી સાટાખત કરારના પાલન અંગે થયેલ દાવો પડધરી કોર્ટે રદ કર્યો

રાજકોટઃ તા.ર૭, અત્રે ૧૧ વર્ષ જુના નોટરી સાટાખત કરાર પાલનનો ખોટો દાવો  પડધરી કોર્ટે રદ કર્યો હતો.

આ અંગે સરમણભાઈ રામભાઈ મહિયારીયા વાદીએ-પ્રતિવાદી(૧) દેવાભાઈ મચ્‍છાભાઈ ટોળીયા અને (૨) જાયણીબેન કરશનભાઈ મોઢવાડિયા સામે આ દાવો કર્યો હતો. 

આ કેસની ટૂંકી હકીકત એવી હતી કે વાદી અને પ્રતિવાદી નં.૧ વચ્‍ચે ૨૦૧૪ માં થયેલ સાટાખતનો વહીવટ ૨૦૧૮ પહેલા જ પૂરો થઈ ગયેલ હોવા છતાં વાદીએ સાટાખત પોતાના કબજામાં હોવાથી તેનો દુરુપયોગ કર્યો છે. ત્‍યારબાદ સદર જમીન પ્રતિવાદી નં.૧ એ પ્રતિવાદી નં.૨ - જાયણીબેન કરશનભાઈ મોઢવાડિયા ને તા.૨૫/૦૯/૨૦૨૫ ના રોજ કાયદેસરના રજીસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજથી વેચાણ આપેલ હતી. પ્રતિવાદી નં.૨ એ સદર જમીન પૂરતી કિંમત ચુકવી કાયદેસર રીતે ખરીદેલ હોવાથી તેઓ બોનાફાઈડ પરચેઝર છે.

વાદી દ્વારા અગાઉ નાયબ કલેકટરશ્રીની કોર્ટમાં અને કલેકટરની કોર્ટમાં પણ આ જ જમીન બાબતે ખોટા દાવાઓ કરવામાં આવેલ હતા, તે બંને કેસમાં પણ વાદી હારી ગયેલ હતા. તેમ છતાં વાદી સરમણભાઈ દ્વારા ખોટો વિવાદ ઉભો કરી પ્રતિવાદી પાસેથી સમાધાન પેટે મસમોટી રકમ પડાવવા ખોટા દાવાઓ તેમજ પોલીસમાં વારંવાર ખોટી છેતરપિંડીની અરજીઓના આધારે ૨૫ લાખની માંગણી કરેલ હતી.

આ કામે પ્રિન્‍સિપાલ સિવિલ જજ કુ. શ્રદ્ધા એન. ફાળકીએ  અવલોકન કર્યું કે, ૨૦૧૪ નું નોટરી સાટાખત જે કાયદા મુજબ સમય મર્યાદા બહાર હોવા છતાં ચતુરાઈપૂર્વક દાવાનું પ્‍લીડીંગ તૈયાર કરીને સમય મર્યાદામાં લાવી, પ્રતિવાદીઓના અધિકારોને નિષ્‍ફળ બનાવવાના ગૂઢ ઉદ્દેશ્‍યથી દાખલ કરવામાં આવેલ છે. આ દાવાને સમય મર્યાદાના કાયદાનો બાધ નડે છે અને વાદીનું કોઈ કોઝ ઓફ એક્‍શન ઉદ્દભવતું નથી. આથી કોર્ટે વાદીનો દાવો મુજબ રદ કર્યો હતો. આ કેસમાં વાદી તરફે એડવોકેટ પી.એન. કુકડીયા અને પ્રતિવાદી નં. ર વતી એડવોકટ બિમલ આર. જાની રોકાયા હતા.

(1:15 PM IST)