<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

જેતપુર શહેરમાં રખડતા શ્વાનોના આતંકથી નાગરિકોમાં ભારે ફફડાટ : 12 થી વધુ બાળકો અને યુવાનો પર જીવલેણ હુમલો

ખોડપરા, નવાગઢ, ગોંડલ દરવાજા અને દેસાઈ વાડી સહિતના વિસ્તારોમાં હડકાયા શ્વાને 12 જેટલા નિર્દોષ લોકોને બચકાં ભર્યા:ગંભીર રીતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા: સ્થાનિકોએ હડકાયા શ્વાનોને તાત્કાલિક પાંજરે પૂરવાની કડક માંગ કરી .

જેતપુર શહેરમાં રખડતા શ્વાનોના આતંકથી નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલ અનુસાર  એક હડકાયા શ્વાને શેરીઓમાં નીકળેલા 12 જેટલા નિર્દોષ બાળકો અને યુવાનોને બેફામ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધા છે. ખોડપરા અને ગોંડલ દરવાજા સહિતના ભરચક વિસ્તારોમાં બનેલી ઘટનાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

જેતપુર શહેરમાં રખડતા પ્રાણીઓ અને ખાસ કરીને શ્વાનોનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે. શહેરના અલગ-અલગ જાહેર માર્ગો અને સોસાયટીઓમાં અચાનક એક હડકાયા શ્વાને રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ પર તરાપ મારી હતી.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ હુમલામાં 12 થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જેમાં નાના બાળકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અચાનક થયેલા હુમલાને કારણે શેરીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભોગ બનનાર લોકોને તાત્કાલિક સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલમાં એન્ટી-રેબીઝ રસી અને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 

 

આ હડકાયા શ્વાને શહેરના કોઈ એક ખૂણે નહીં, પરંતુ એક પછી એક અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં લોકમુખે માત્ર શ્વાનના આતંકની જ ચર્ચા ચાલી રહી છે.

હડકાયા શ્વાન કરડવાથી થતો હડકવા (રેબીઝ) એક જીવલેણ રોગ છે. તબીબી નિષ્ણાતોના મતે, જ્યારે પણ શ્વાન કરડે ત્યારે પ્રથમ 15 મિનિટ સુધી ઘાને વહેતા પાણી અને સાબુથી વ્યવસ્થિત સાફ કરવો અનિવાર્ય છે.

ઈજાગ્રસ્ત દર્દીઓએ કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી દવાખાને પહોંચીને નિયત તારીખો મુજબ એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) અને જરૂર પડ્યે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન મુકાવવું જોઈએ. વિલંબ કરવાથી દર્દીના જીવન પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

અલગ-અલગ સોસાયટીઓમાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓને કારણે સ્થાનિક રહીશોમાં નગરપાલિકા વહીવટીતંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો આક્ષેપ છે કે શહેરમાં રખડતા શ્વાનોની વસ્તી નિયંત્રણ બહાર જતી રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

(12:03 AM IST)