News of Tuesday, 29th September 2026
કચ્છમાં ચાઇનાક્લે ઉદ્યોગ ની રોજગારીમાં મહત્વની ભૂમિકા: જિલ્લા એસોસિએશનના પ્રમુખની વરણી કરાઇ
ગોકુલભાઈ ડાંગરની પુનઃપ્રમુખ તરીકે વરણી; આગામી ટર્મ માટે શામજીભાઈ ઢીલાને બહાલી : પ્લાન્ટધારકો, લીઝધારકો, સિલિકા પ્લાન્ટના માલિકો સહિત મોટી સંખ્યામાં સભ્યો અને ઉદ્યોગકારો ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છ જિલ્લા ચાઇનાક્લે એસોસિએશનની જનરલ મિટિંગ માધાપર ખાતે યોજાઈ હતી. જેમાં ચાઇનાક્લે ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્લાન્ટધારકો, લીઝધારકો, સિલિકા પ્લાન્ટના માલિકો સહિત મોટી સંખ્યામાં સભ્યો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
એસોસિએશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની અગાઉની દોઢ વર્ષની મુદત પૂર્ણ થતાં બાકી રહેલી દોઢ વર્ષની ટર્મ માટે તેમની સર્વાનુમતે પુનઃપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ત્યારબાદની ટર્મ માટે શામજીભાઈ ઢીલાને પ્રમુખ તરીકે સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
મિટિંગમાં એસોસિએશનના શિવજીભાઈ બરાડીએ જણાવ્યું હતું કે ચાઇનાક્લે ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠિત થઈ સરકાર સમક્ષ રજૂઆતો કરવી જરૂરી છે. એસોસિએશનના સભ્યોના પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ ચાઇનાક્લે ઉદ્યોગ કચ્છના વિકાસ અને રોજગારીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હોવાનું જણાવી ઉદ્યોગના વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી. સરકાર તરફથી ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સહયોગ આપવાની ખાતરી પણ તેમણે વ્યક્ત કરી હતી.
એસોસિએશનના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરે નવી ટીમને શુભેચ્છા પાઠવી આગામી સમયમાં પણ સભ્યોના સહયોગથી કામગીરી આગળ ધપાવવાની અપીલ કરી હતી. આ ઉપરાંત પૂર્વ પ્રમુખ સતિશભાઈ છાંગા, હરીભાઈ જાટિયા, આલાભાઈ છાંગા, નારાયણ રે સાહેબ સહિતના આગેવાનોએ ઉદ્યોગના વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મિટિંગ દરમિયાન ખજાનચી મોહિતભાઈ સોલંકીએ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા. સભ્યો પાસેથી ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અને સૂચનો પણ લેવામાં આવ્યા હતા, જેમાં EC, GST તથા PGVCLનું નવું સબ-ડિવિઝન શરૂ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
એડવોકેટ પ્રજ્ઞેશભાઈએ EC અને GST અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારિક મેમણે MSME માટે સરકાર દ્વારા મળતી સબસિડી અંગે માહિતી આપી હતી.
પુનઃપ્રમુખ તરીકે વરણી પામેલા ગોકુલભાઈ ડાંગરે જણાવ્યું હતું કે ચાઇનાક્લે ઉદ્યોગના પ્રશ્નો માટે કચ્છથી ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે. સિલિકા માટે HSN કોડ અંગે પણ સરકાર સમક્ષ રજૂઆત ચાલી રહી હોવાનું જણાવી તેમણે આગામી સમયમાં સિલિકાના ઉત્પાદન અને નિકાસની નવી તકો ઊભી કરવા એસોસિએશન પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
મિટિંગમાં આહીર સમાજના આગેવાન રાણાભાઈ રવાભાઈ ડાંગર, કચ્છ આહીર મંડળના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, સલાહકાર સમિતિના લક્ષમણભાઈ ડાંગર, હરિભાઈ ડાંગર, શાંતિલાલભાઈ ધોળું, જીવાભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી દીપક ડાંગરે કર્યું હતું, જ્યારે આભારવિધિ શિવજીભાઈ સાંઢાએ કરી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
