News of Thursday, 26th November 2026
ભુજના કેરા કુંદનપર ગામે‘પા પા પગલી’ અંતર્ગત બાળ મેળો અને કિશોરી મેળો યોજાયો
બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન અને કિશોરીઓના સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન; મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ કેરા કુંદનપર ખાતે લેવા પટેલ ટ્રસ્ટ સંચાલિત શાળામાં બાળ મેળા અને કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩ થી ૬ વર્ષનાં બાળકો, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ તેમજ કચ્છના ૧૯ ઘટકના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા કિશોરીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બાળ મેળામાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ બાળકોમાં જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા સરળ અને સુરક્ષિત પ્રયોગો તેમજ સ્થાનિક અને ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનોમાંથી તૈયાર કરેલી શૈક્ષણિક સામગ્રી અને રમતોનું પ્રદર્શન યોજાયું હતું. કિશોરી મેળા દરમિયાન આરોગ્ય, શિક્ષણ, આઇ.ટી.આઇ., બેંક અને પોસ્ટ ઓફિસને લગતી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.
આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ, કિશોરીઓનું સશક્તિકરણ અને વાલીઓ તથા સમુદાયને આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે જોડવાનો હતો. બાળકો, કિશોરીઓ અને કાર્યકરોની ઉત્સાહભેર ભાગીદારીથી આ મેળો આનંદમય અને માહિતીપ્રદ બન્યો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
