<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

મોરબીના ઉંચી માંડલમાં રમતી વખતે અગાસીએથી પટકાતાં બાળકનું મોત

મુળ બિહારના દંપતિએ એકનો એક દિકરો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૫: માસુમ બાળકો રમત રમતમાં ઘણીવાર મુશીબત નોતરી લેતાં હોય છે. ઘણીવાર આવી રમત જીવલેણ પણ બની જતી હોય છે. આવી જ એક ઘટના મોરબીના ઉંચી માંડલ ગામે બની હતી. જેમાં અગાસી પર રમતી વખતે નીચે પટકાતાં બે વર્ષના બાળકનું મોત થયું હતું. બિહારી દંપતિએ એકનો એક લાડકવાયો ગુમાવતાં  ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના ઉંચી માંડલમાં રહેતાં સુજીતભાઇ સહાનીનો દિકરો સૂર્યાંશ (ઉ.વ.૨) ગઇકાલે સવારે અગાસી પર રમતો હતો ત્‍યારે અકસ્‍માતે નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સૂર્યાંશ માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેના પિતા કંપનીમાં કામ કરે છે. મુળ બિહારનું દંપતિ આ ઘટનાથી શોકમાં ગરક થઇ ગયું હતું. પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:55 AM IST)