તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
ભુજમાં સોની માતા-પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર : હત્યા કે આત્મહત્યા ?
સોની બજારના લોહાર ચોક વિસ્તારમાં એકલા રહેતા હતા, ઘરકામ કરતી મહિલાએ દરવાજો ન ખુલતા જાણ કરતા બંનેના મૃતદેહ મળ્યા : પોલીસ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : જૂના ભુજના કોટ અંદરના વિસ્તારમાં માતા-પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ ભુજના સોની બજારમાં આવેલા રવાણી ફળિયા, લોહાર ચોકમાં રહેતા 65 વર્ષીય રસીલાબેન પ્રફુલ બારમેડા (સોની) અને 35 વર્ષીય પુત્ર ભરત પ્રફુલ બારમેડા (સોની)ની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. માતા-પુત્ર અહીં એકલા રહેતા હતા.
આ બનાવની જાણ દરરોજની જેમ ઘરકામ માટે આવનાર બહેન દ્વારા દરવાજો ખટખટાવવા છતાં ન ખુલતા થઈ હતી. અજુગતું થયું હોવાની શંકાના આધારે તેમણે તાત્કાલિક સગા-સંબંધીઓને જાણ કરી હતી. દરમિયાન દરવાજો ખોલ્યા બાદ અંદર માતા અને પુત્ર મૃત અવસ્થામાં મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લેવા ઉપરાંત મોબાઈલ ફોન, સીસીટીવી ફૂટેજ સહિતની દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. પ્રાથમિક તબક્કે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે સસ્પેન્સ યથાવત છે. પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
