<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભગવાન નીલકંઠવર્ણીનું ચરીત્ર આપણને ત્‍યાગ, સમર્પણ અને પવિત્રતાની પ્રેરણા આપે છેઃ પૂ.માધવપ્રિયદાસજી સ્‍વામી

એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે ‘ભક્‍તિ સત્ર-૭': ભક્‍તિ, સત્‍સંગ અને વીરતાનો ત્રિવેણી સંગમ : વિદ્યાર્થીઓની તલવારબાજી, નાટિકા અને માનવ પિરામિડના સાહસિક કરતબોથી ભક્‍તો મંત્રમુગ્‍ધ

રાજકોટઃ એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયંતી મહોત્‍સવના ઉપક્રમે અને પિતૃ તર્પણના પવિત્ર શ્રાદ્ધપક્ષ નિમિત્તે આયોજિત ‘ભક્‍તિ સત્ર-૭'ના બીજા દિવસે ભક્‍તિ, સત્‍સંગ અને સાંસ્‍કૃતિક ભવ્‍યતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે વક્‍તા પદ પરથી પરમ પૂજ્‍ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીએ ‘શ્રી નીલકંઠ ચરિત્ર કથા'નું રસપાન કરાવતા જણાવ્‍યું હતું કે, ભગવાન નીલકંઠવર્ણીનું ચરિત્ર આપણને ત્‍યાગ, સમર્પણ અને પવિત્રતાની પ્રેરણા આપે છે. શ્રાદ્ધપક્ષમાં આ કથાનું શ્રવણ પિતૃઓને પરમ તૃપ્તિ અને મોક્ષ પ્રદાન કરે છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત માતૃવાત્‍સલ્‍ય પરિપૂર્ણ પરમ પૂજ્‍ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે ગુરુકુલના સંસ્‍કારો અને સત્‍સંગનો સંગ જ માનવ જીવનને સાચા અર્થમાં ધન્‍ય બનાવે છે.

આ મહોત્‍સવમાં મુખ્‍ય યજમાન તરીકે અ.નિ. પિતાશ્રી ગોકળભાઈ વેકરીયાની સ્‍મૃતિમાં રમેશભાઈ, હરસુખભાઈ તથા આદર્શભાઈ વેકરીયા પરિવાર, સહ યજમાન તરીકે અ.નિ. હંસાબેન અને અ.નિ. ધીરૂભાઈ બારસીયાની સ્‍મૃતિમાં હર્ષદભાઈ તથા લલિતભાઈ બારસીયા પરિવાર અને સંહિતાપાઠના મુખ્‍ય યજમાન તરીકે અ.નિ. હીરાબેન અને અ.નિ. ધીરૂભાઈ વઘાસીયાની સ્‍મૃતિમાં યોગેશભાઈ વઘાસીયા પરિવારે સેવા આપી હતી.

આ પાવન પ્રસંગે રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્‍ય ધર્મવત્‍સલદાસજી સ્‍વામી, પૂજ્‍ય વિશ્વવિહારીદાસજી સ્‍વામી, પૂજ્‍ય વેદાંત સ્‍વામી સહિતના સંતો તેમજ ગુરુકુલના ટ્રસ્‍ટીઓ અને અગ્રણી ઓશંભુભાઈ પડસાણા, મધુભાઈ દોંગા, જીગ્નેશભાઈ ભોરાણીયા, જસમતભાઈ સોરઠીયા, અશ્વિનભાઈ વઘાસિયા, અશ્વિનભાઈ પીપળવા, પરશોત્તમભાઈ બોડાઉપસ્‍થિત રહ્યા હતા. ગુંદાસરા, રીબ, વાવડી, મવડી અને રાજકોટથી મોટી સંખ્‍યામાં આવેલ હરિભક્‍તોએ કથા શ્રવણ બાદ ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

કથા સંપન્ન થયા બાદ ગુરુકુલના વિદ્યાર્થીઓએ તલવારબાજીના શાનદાર દાવપેચ, રાજા અભયસિહના જીવન પર આધારિત જીવંત નાટિકા તેમજ એકાગ્રતા અને સંતુલન દર્શાવતા માનવ પિરામિડના કરતબો રજૂ કર્યા હતા. બાળકોની આ અદ્વુત રજૂઆત જોઈને સમગ્ર સભામંડપ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્‍યો હતો.

માનવસેવાના ભાગરૂપે ૩ થી ૭ ઓક્‍ટોબર દરમિયાન ફ્રી મેડિકલ કેમ્‍પનું આયોજન કરાયું છે. જેમાં 'તત્‍વ નેચરોપેથી ફાઉન્‍ડેશન' દ્વારા અપાયેલી સેવાઓનો અત્‍યાર સુધીમાં ૨૦૦ જેટલા ભક્‍તોએ લાભ લીધો છે. આગામી દિવસોમાં શાશ્વત હોસ્‍પિટલ દ્વારા કેન્‍સર તપાસ કેમ્‍પ, દિવ્‍યાંગ સેવા યજ્ઞ અને સિનાર્જી હોસ્‍પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાશે.

સાંસ્‍કૃતિક આયોજનો અંતર્ગત દરરોજ સાંજે ૪:૩૦ કલાકથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ૫ ઓક્‍ટોબર (સોમવાર) ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને શ્રદ્ધા પર્વ, ૬ ઓક્‍ટોબર (મંગળવાર) રાસોત્‍સવ અને એકાદશી જાગરણ, ૭ ઓક્‍ટોબર (બુધવાર - રાત્રે ૯: ૩૦ વાગ્‍યે) ભવ્‍ય લોકડાયરો અને હિતેશભાઈ અંટાળાનો હાસ્‍ય દરબાર, એસજીવીપી ગુરુકુલ પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક તથા આરોગ્‍ય વિષયક કેમ્‍પનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(10:22 AM IST)