News of Wednesday, 20th May 2026
જસદણ અને સરધાર પંથકના વાતાવરણમાં પલટો : હલેન્ડા અને ખારચિયા ગામમાં પવન સાથે માવઠું
ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો: જોતજોતામાં ગામના માર્ગો ભીંજાઈ ગયા હતા અને રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યા

રાજકોટ જિલ્લાના જસદણ અને સરધાર પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોમધખતા ઉનાળાની વચ્ચે અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટ ગ્રામ્ય પંથકમાં આખો દિવસ અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દિવસભર સૂર્યદેવે પ્રકોપ વરતાવ્યા બાદ સાંજના સમયે અચાનક આકાશમાં કાળાડિબાન વાદળો ઘેરાયા હતા. સરધાર નજીક આવેલા હલેન્ડા, ખારચિયા અને જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
અચાનક શરૂ થયેલા આ કમોસમી વરસાદથી જોતજોતામાં ગામના માર્ગો ભીંજાઈ ગયા હતા અને રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉનાળાની સિઝનમાં અચાનક વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
