<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો દસ્તક: ભાવનગરમાં ૬ વર્ષના બાળકનું મોત થતા ભારે ફફડાટ

જીવલેણ વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ એલર્ટ: ગામડાઓમાં સર્વેલન્સ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ

ભાવનગર:ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસે હવે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ પ્રવેશ કર્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં રહેતા મધ્યપ્રદેશના મૂળ વતની પરિવારના ૬ વર્ષના માસૂમ બાળકની સારવાર દરમિયાન મોત થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. ૯ જુલાઈના રોજ ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં આ બાળકે દમ તોડ્યો હતો, જેનું કારણ ગાંધીનગર લેબ દ્વારા ચાંદીપુરા વાયરસ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ઘટનાક્રમ મુજબ, બાળક ૬ જુલાઈના રોજ જામનગરથી પરત આવ્યા બાદ તીવ્ર તાવ અને ચાલવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો. પ્રાથમિક સારવાર નિષ્ફળ જતા તેને ભાવનગર રિફર કરાયો હતો, જ્યાં એક જ દિવસમાં તેની સ્થિતિ નાજુક બની ગઈ હતી. આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક દોડતું થયું છે.

ભાવનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કે.એમ. સોલંકીએ જણાવ્યું છે કે, આ વાયરસના ફેલાવાને રોકવા માટે મેલાણા ગામમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરસ ફેલાવતા સેન્ડ ફ્લાય (મચ્છર-માખી)નો નાશ કરવા માટે ગામમાં જંતુનાશક દવાઓ અને પાવડરનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ઘેર-ઘેર જઈને આરોગ્ય તપાસણી અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ જીવલેણ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને નિશાન બનાવે છે, જેમાં તીવ્ર તાવ, ઉલટી, ઝાડા, ખેંચ આવવી અને બેભાન થઈ જવું એ મુખ્ય લક્ષણો છે. આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે જો બાળકને આવા કોઈ પણ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. યોગ્ય સમયે નિદાન અને સારવાર આ બીમારીમાં જીવ બચાવવા માટે અત્યંત આવશ્યક છે.

અગાઉ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ વાયરસે બાળકોના જીવ લીધા હતા અને હવે ભાવનગરમાં પ્રથમ કેસ નોંધાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ હાઈ-એલર્ટ પર છે. જિલ્લામાં આરોગ્ય કેમ્પ શરૂ કરી ગ્રામજનોને આ રોગના બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ વાયરસને અન્ય ગામોમાં ફેલાતો અટકાવવા માટે તમામ તાલુકાઓમાં તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

(3:43 PM IST)