તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો એલર્ટ : મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ફોગિંગ અને જંતુનાશક છંટકાવ શરૂ
દિગ્જામ સર્કલ અને બેડી રિંગ રોડ વિસ્તારના 2 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો બાદ ડૉ. હરીશ ગોરીએ આપી સાવચેતી: સાંજે બાળકોને ફુલ સ્લીવ કપડાં પહેરાવો, સેન્ડ ફ્લાયથી બચો : તાવ, ઉલટી, ખેંચના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત કેસો નોંધાતા સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરના દિગ્જામ સર્કલ અને બેડી રિંગ રોડ વિસ્તારમાં રહેતા બે બાળકોમાં ચાંદીપુરા વાયરસને મળતા લક્ષણો જોવા મળતા તેમને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંને બાળકોને ICUમાં રાખીને તબીબોની વિશેષ ટીમ દ્વારા સત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
આ મામલાને ગંભીરતાથી લઈને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગણાતા બંને વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવી છે. ઘરે-ઘરે જઈને 15 વર્ષથી નાના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વિસ્તારમાં ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને સફાઈ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જો કોઈ બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રિફર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા મનપા આરોગ્ય શાખાના અધિકારી ડૉ. હરીશ ગોરીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના ફેલાવામાં સેન્ડ ફ્લાય નામની નાની માખી મુખ્ય ભૂમિકા ભજવે છે. આ માખીના કરડવાથી વાયરસ શરીરમાં પ્રવેશે છે. તેથી વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ચોમાસા દરમિયાન બાળકોને ખાસ કરીને સાંજના સમયે બહાર જતી વખતે બુટ-મોજાં, ફુલ સ્લીવના શર્ટ અને પેન્ટ* પહેરાવવા. ઘરની બારી-બારણા પર નેટ લગાવવા અને આસપાસ સ્વચ્છતા જાળવવી.
આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. જો બાળકોમાં સતત ઊંચો તાવ, વારંવાર ઉલટી, આંચકી, બેભાન થવું અથવા ચીડિયાપણું જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા જી.જી. હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
