News of Thursday, 17th September 2026
સોરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણઃ ઝાપટા યથાવત
સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલઃ હજુ પણ સર્વત્ર ભારે વરસાદની રાહ

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહયા છે. સર્વત્ર મિશ્ર હવામાનના માહોલ વચ્ચે સાર્વત્રિક ભારે વરસાદની રાહ જોવાઇ રહી છે.
દેવભુમી દ્વારકા
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ૩, ભાણવડમાં ૪ મી.મી. વરસાદ પડયો છે. આજે સવારે ઓખા મંડલમાં ૩ મી.મી. અને ખંભાળીયામાં ૧ મી.મી. વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ફરી આળસ મરડતા ગિરનાર, જૂનાગઢ શહેર, વંથલી, કેશોદમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
લો પ્રેશર આગળ જઈને ફરી સૌરાષ્ટ્ર ઉપર આવતા આજે અને આવતીકાલે વ્યાપક સ્વરૂપ પવન સાથે વરસાદની સિસ્ટમ શરૂ થઈ છે. જેના પરિણામ ગઈ રાત્રિથી મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.
જુનાગઢ સહિત સોરઠમાં ભાદરવાની શરૂઆતના ચાર દિવસ મેઘરાજાએ કળપા વરસ આવી હતી. ગઈકાલે મેઘાના આંશિક વિરામ વચ્ચે હળવો વરસાદ થયો હતો પરંતુ આજે સવારથી ફરી આળસ મરડી છે.
જુનાગઢ શહેરને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા બાદ આજે સવારે પણ ધીમી ધારે મેઘ મહેર શરૂ રહેતા સવારના પ્રારંભિક બે કલાકમાં એટલે કે સવારના ૬ થી ૮ દરમિયાન શહેરમાં ૩ મીમી અને ગિરનાર પર્વત પર ૬ મીમી વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢની સાથે સાથે સવારે વંથલીમાં ૨ મીમી અને કેશોદમાં ૬ મીમી વરસાદ થયો હતો. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહ્યું છે.
જુનાગઢ જીલ્લાના માણાવદરમાં ૪, વંથલીમાં ર, જુનાગઢ શહેરમાં ૬, ભેંસાણમાં ર, કેશોદમાં ૧૦, માંગરોળમાં ૩, માળીયાહાટીનામાં ૫ મી.મી. વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જોડીયામાં ૫ મી.મી., કાલાવડમાં ૪, જામજોધપુરમાં ૩ મી.મી. વરસાદ પડયો છે.
જામનગર બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળેલ માહિતી મુજબ, લઘુતમ તાપમાન ૨૫.૪, મહતમ તાપમાન ૩૦.૮, ભેજ ૯૩ ટકા અને પવનની ઝડપ ૭.૯ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
જામનગર જીલ્લાના નવાગામ, જામવાડી, વાંસજાળીયામાં વરસાદી ઝાપટા પડયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જીલ્લાના વલ્લભીપુરમાં ૬, ભાવનગર શહેરમાં ૧, ઘોઘામાં ૩, શિહોરમાં ૭, પાલીતાણામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં ૫, પાટણ- વેરાવળમાં ૯, સુત્રાપાડામાં ૪ મી.મી. વરસાદ પડયો છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
