તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
સર્વોત્તમ ડેરીમાં ૨૩મા દૂધ ખરીદ દિવસની ધામધૂમથી ઉજવણી : સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
દૂધ ખરીદીના ૨૨ વર્ષ પૂર્ણ કરીને ૨૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે સમારોહ : પશુપાલકોને ૯૫૦ રૂપિયાનો રેકોર્ડબ્રેક ભાવ, વ્યસનમુક્તિ ઝુંબેશ અને સંસ્થાના વિકાસની રૂપરેખા રજૂ કરાઈ

ભાવનગર: શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સર્વોત્તમ ડેરી) દ્વારા દૂધ ખરીદીની શરૂઆતને ૨૨ વર્ષ પૂર્ણ થતા અને ૨૩મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દૂધ ખરીદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે સર્વોત્તમ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં ડેરીના કર્મચારીઓ, અધિકારીગણ, ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષી તેમજ સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી પરિવારજનો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સ્થાપક એચ.આર. જોષીનું સન્માન અને પ્રેરક કાર્યશૈલી:
સંઘના પાયાના પથ્થર ગણાતા મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ સંસ્થાની સ્થાપના માટે કરેલા સંઘર્ષને યાદ કરીને સૌએ તેમની પ્રશંસા કરી હતી અને સર્વોત્તમ પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના સુચારુ વહીવટ, પારદર્શકતા અને સફળ નેતૃત્વને કારણે સંસ્થાએ વિકાસની હરણફાળ ભરી છે. આ થકી પશુપાલકોને ૯૫૦ રૂપિયાનો રેકોર્ડબ્રેક ભાવ આપવાની સાથે સર્વોત્તમ પરિવારના સભ્યોના જીવનધોરણને ઊંચું લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. ડેરીના અધિકારીગણે જણાવ્યું હતું કે એચ.આર. જોષીનું જીવન આજના યુવાનો માટે પ્રેરણાદાયી છે અને તેમની વ્યસનમુક્તિ ઝુંબેશથી સર્વોત્તમ પરિવાર વ્યસનમુક્ત બન્યો છે. મા આવડમાં અખૂટ શ્રદ્ધા રાખીને પોતાના શરીરની પરવા કર્યા વિના બાધાઓ લઈને તેમણે સંઘના અનેક કાર્યો પાર પાડ્યા છે અને તેમના આધ્યાત્મિક વલણથી કામની સાથે આધ્યાત્મિક વાતાવરણ પણ જળવાઈ રહે છે.
ભાવનગરમાં ૧૦૦ ટકા બ્રાઝિલ ઊભું કરવાનો નિર્ધાર અને વિકાસની રૂપરેખા:
ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષીએ એચ.આર. જોષીના રચનાત્મક અભિગમ અને વહીવટી કુનેહની સરાહના કરતા જણાવ્યું હતું કે તેમની કાર્યશૈલીથી આગામી સમયમાં બ્રાઝિલ જવાની જરૂર નહીં પડે, પરંતુ ભાવનગર જિલ્લામાં જ ૧૦૦ ટકા બ્રાઝિલ ઊભું થશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ સર્વોત્તમ પરિવારને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી સમયમાં સંસ્થાની વિકાસયાત્રાની સ્પષ્ટ રૂપરેખા આપી હતી. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે પશુપાલકોને શ્રેષ્ઠ ભાવ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો સંઘનો મૂળ ઉદ્દેશ્ય સાકાર થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં સર્વોત્તમ પરિવારના તમામ સભ્યો એકજુટ થઈને કાર્ય કરશે તો વિકાસના અનેક નવા આયામો સર થશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
