તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
સાવધાન! મહિલાઓમાં મેનોપોઝ પછી હૃદયરોગનું જોખમ વધે છે, પરિવારનું હૃદય સાચવતી મહિલાઓ હવે પોતાના હૃદયની સંભાળ રાખે
હૃદયરોગ માત્ર પુરુષોનો રોગ છે એવું નથી પણ હૃદયરોગ મહિલાઓના મૃત્યુનું કારણ પણ બને છે એટલે છાતીના દુખાવા સિવાયના સંકેતોને પણ ગંભીરતાથી લેવા તબીબોની અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : દાયકાઓ સુધી એવું માનવામાં આવતું કે હૃદયરોગ એ પુરુષોનો રોગ છે, પરંતુ હકીકત એ છે કે વિશ્વમાં મહિલાઓના મૃત્યુના કારણોમાં હૃદયરોગ પણ છે અને તેનું સીધું જોડાણ મેનોપોઝ (માસિક ધર્મ કાયમી ધોરણે બંધ થવાની અવસ્થા) સાથે છે., પરિવારની તંદુરસ્તી અને જવાબદારીને પ્રથમ પ્રાથમિકતા આપતી મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરી દે છે. એ સમજવાની જરૂર છે કે, હૃદયરોગ માત્ર પુરુષોને થતો રોગ નથી. મહિલાઓમાં પણ હૃદયરોગ ગંભીર સ્વાસ્થ્ય જોખમ બની શકે છે. વિશ્વ હાર્ટ ડે નિમિત્તે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ. દેવિકા ભટ તથા પ્રો. ડૉ. કશ્યપ બુચે મહિલાઓમાં હૃદયરોગ અને મેનોપોઝ વચ્ચેના સંબંધ અંગે જાગૃતિ લાવતાં સાવચેતી અને નિયમિત તપાસનું મહત્વ સમજાવ્યું હતું.
તબીબોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ૪૫થી ૫૦ વર્ષની આસપાસ મેનોપોઝ સુધી અંડાશયમાંથી સ્ત્રવતા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ હૃદય અને રક્તવાહિનીઓ માટે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. એસ્ટ્રોજન રક્તવાહિનીઓની લચીલાશ જાળવવામાં તેમજ કોલેસ્ટ્રોલના સંતુલનમાં મદદરૂપ થાય છે. મેનોપોઝ બાદ એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતાં બ્લડ પ્રેશર, પેટની આસપાસ ચરબી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે, જેના કારણે હૃદયરોગની સંભાવના પણ વધે છે. મેનોપોઝ રક્ષણનો અંત નહીં, સ્વાસ્થ્યની વધુ જવાબદારીનો પડાવ: મેનોપોઝ પછી શરીરમાં થતા ફેરફારોને ઉંમરનો સામાન્ય ભાગ માનીને અવગણવાને બદલે નિયમિત આરોગ્ય તપાસ અને જીવનશૈલીમાં જરૂરી સુધારા કરવા તબીબોએ ભાર મૂક્યો હતો. ૪૦ વર્ષની ઉંમર બાદ નિયમિત આરોગ્ય તપાસમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ અને BMIની ચકાસણી કરાવવી જરૂરી છે. નિયમિત ચાલવું, કસરત તથા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની સાથે લીલા શાકભાજી, ફળો, આખા ધાન્ય, અળસી, બદામ અને અખરોટ જેવા પૌષ્ટિક ખોરાકને આહારમાં સ્થાન આપવાની સલાહ આપવામાં આવી છે. મેનોપોઝ દરમિયાન ઊંઘમાં ખલેલ અને તણાવ પણ સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી ધ્યાન અને પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ સાથે વ્યસનોથી દૂર રહેવું પણ મહત્વનું છે.
*મહિલાઓમાં હાર્ટ એટેકના સંકેતોને અવગણશો નહીં*
મહિલાઓમાં હાર્ટ એટેક વખતે દરેક વખતે પુરુષોની જેમ છાતીમાં તીવ્ર દુખાવો થાય તે જરૂરી નથી. જડબા કે ગરદનમાં દુખાવો, અસામાન્ય થાક, શ્વાસ ચડવો, ગભરામણ કે ઉલટી જેવા લક્ષણો પણ હૃદય સંબંધિત તકલીફના સંકેત હોઈ શકે છે. આવા લક્ષણોને માત્ર ગેસ, થાક અથવા સામાન્ય અસ્વસ્થતા ગણીને અવગણવા નહીં અને સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે.
જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મહિલાઓના હૃદયસ્વાસ્થ્ય અંગે સ્ક્રીનિંગ સહિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. વિશ્વ હાર્ટ ડેનો સંદેશ પણ સ્પષ્ટ છે—પરિવારની સંભાળ લેતા પહેલાં નહીં તો સાથે-સાથે, મહિલાઓએ પોતાના હૃદયની સંભાળને પણ જીવનનો મહત્વનો હિસ્સો બનાવવો જોઈએ.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
