<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ભાવનગર જિલ્લા જેલમાં બંધ પથુભા ગોહિલના શંકાસ્પદ મોતનો મામલો હવે અત્યંત ગંભીર અને ઉગ્ર બન્યો : ગંભીર આક્ષેપ કરાયા

આવતીકાલે બપોરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવશે અને ભાવનગર રેન્જ IG કચેરી ખાતે પણ ઉગ્ર રજૂઆત કરશે

ભાવનગર જિલ્લા જેલમાં બંધ પથુભા ગોહિલના શંકાસ્પદ મોતનો મામલો હવે અત્યંત ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વર્ષ 2024થી જમીન કૌભાંડ અને ગુજસીટોક (GUJCOC) ના ગુના હેઠળ જેલમાં બંધ પથુભા ગોહિલના નિધન બાદ, તેમના પરિવારજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ તેમજ રાજકીય વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે પથુભાને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ સતત ડિપ્રેશનમાં રહેતા હતા. આ ઘટનાને 15 કલાક જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જ્યાં સુધી જવાબદારો સામે નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. 

 આ મામલે ન્યાયની માંગણી સાથે આવતીકાલે બપોરે 12 વાગ્યે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવશે અને ત્યારબાદ ભાવનગર રેન્જ IG કચેરી ખાતે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. સમાજના આગેવાનો અને કરણી સેનાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મોત પાછળ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

(10:52 PM IST)