તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ગિરનાર લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક લઈ જવું પડશે ભારે : વન વિભાગે અન્નક્ષેત્રો અને યાત્રિકોને આપી કડક ચેતવણી
૩૬ કિમીની પરિક્રમામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, થેલી, કપ અને બોટલ પર સંપૂર્ણ પ્રતિબંધ : નિયમ ભંગ કરનાર સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ ગુનો અને મહત્તમ દંડનીય કાર્યવાહી

જૂનાગઢ તા.૧૭ : જૂનાગઢમાં આગામી તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારી ગિરનાર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, ત્યારે પરિક્રમા માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે અને વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. પરિક્રમા દરમિયાન અન્નક્ષેત્રોનું સંચાલન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્લાસ્ટિકમુક્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને પરવાનગીની શરતોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન દર વર્ષે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓની સુખાકારી અને ભોજન-પ્રસાદની વ્યવસ્થા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રોના સંચાલકોએ પરવાનગીમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. અન્નક્ષેત્રમાં પ્લાસ્ટિકની થાળી, ગ્લાસ, ચમચી, થેલીનો ઉપયોગ નહીં કરવાનો રહેશે. પતરાળા, સ્ટીલના વાસણ કે કાગળના પર્યાવરણ મિત્ર વિકલ્પોનો જ ઉપયોગ કરવાનો રહેશે. કચરો જંગલમાં ગમે ત્યાં ફેંકવાનો રહેશે નહીં, અલગ એકત્ર કરી નિયત જગ્યાએ નિકાલ કરવાનો રહેશે.
આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટ દ્વારા PIL નં. 06/2023ના કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશો તથા અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. 25/01/2000ના હુકમ અનુસાર વન્યપ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, પેકિંગ મટિરિયલ સહિતની પ્લાસ્ટિક બનાવટો લઈ જવા તથા તેનો ગમે ત્યાં ફેંકવા પર પ્રતિબંધ છે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પણ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવો. યાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલીઓ, કપ અને બોટલોનો ઉપયોગ ન કરો. પાણી માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્ટીલની બોટલ સાથે રાખો. શ્રદ્ધાળુઓને પર્યાવરણ અનુકૂળ બેગ પણ વિતરણ કરાશે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા. 22/05/2019ના પરિપત્ર અન્વયે પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની બનાવટો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનો ભંગ કરનાર સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 29 તથા 35 હેઠળ ગુનો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે તેમ હોય તે બાબતે ધ્યાને લઈ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે.
આ વર્ષે ઓછા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં પાણી ઓછું છે. બોરવેલ મારફતે પીવાના પાણીની વ્યવસ્થા વધારાઈ છે. સાથે જ જંગલમાં સૂકા પાંદડા વધુ હોવાથી ધૂણા-ચૂલા સળગાવતી વખતે ખાસ સાવચેતી રાખવા પણ સૂચના અપાઈ છે. કઠિન અને દુર્ગમ માર્ગને ધ્યાનમાં રાખી વૃદ્ધો, બાળકો અને નબળા સ્વાસ્થ્ય ધરાવતા લોકોને પરિક્રમા ટાળવા અપીલ કરાઈ છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
