તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
ગોંડલ પાટીદડ પાસે પલ્ટી મારી ગયેલી કારને વિમો પકાવવા માટે સળગાવી નાખી
ગોંડલ તાલુકા પોલીસને ખોટી સ્ટોરી ઉભી કરી માહીતી આપી પરંતુ તપાસમાં ભાંડો ફુટી જતા પાટીદડના દિપ વિરડીયા સામે ગુનો નોંધ્યો

રાજકોટ, તા., ૨૨ : ગોંડલ તાલુકાના પાટીદડ ગામ પાસે ૧૭ દિવસ પહેલા ગઇ તા.૪ ના કાર પલ્ટી મારી ગયા બાદ આગ લાગતા કાર બળીને ખાક થઇ ગઇ હતી. જેમાં કાર ચાલક દિપ ચંદુભાઇ વિરડીયા (રહે. પાટીદડ, તા.ગોંડલ)એ કાર પલ્ટી મારી ગયા બાદ વિમો પકાવવા માટે પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યાનું ખુલતા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે ગોંડલ તાલુકા પોલીસના એએસઆઇ કર્મરાજસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, આરોપી દિપ વિરડીયાએ ગઇ તા.૪ ના પોલીસને જાણ કરી હતી કે તે સાંજે તેની વર્ના કાર લઇને ગોંડલથી તેના ઘરે પાટીદડ ગામે જઇ રહયો હતો ત્યારે પાટીદડ ગામ પાસે કાર સ્પીડમાં હોવાથી ગોળાઇમાં કાબુ ગુમાવતા કાર વળાંક નહી વળી રોડ નીચે ઉતરી ખાઇમાં પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે એરબેગ ખુલી ગઇ હતી. આ અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા બે-ત્રણ રાહદારીઓએ તેને કારમાંથી બહાર કાઢયો હતો. જો કે તેને ઇજા પહોંચી ન હતી. ત્યાર બાદ તેને પરીચીત અક્ષયભાઇ રાઠોડનો ફોન આવ્યો હતો ઉપરાંત તેના ગામના શુભમ વેકરીયા સહિતના આવી પહોંચ્યા હતા. તેને પોતાના ઘેર મુકી ગયા હતા. મોડી રાત્રે તે તેના પરીચીત સંજયભાઇ સોલંકી અને અજાણ્યો વ્યકિત મળી ત્રણેય તેની કાર પલ્ટી મારી ગઇ હતી તે તરફ જતા કારમાંથી ધુમાડો નીકળતો હતો અને સળગતી જોવા મળી હતી. આથી ફાયર બ્રીગેડને જાણ કરતા સ્ટાફે ત્યાં પહોંચી આગને બુઝાવી હતી. કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અને સાતેક લાખનું નુકશાન હોવાની જાણ કરી હતી.
બીજી તરફ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી દિપે ગઇ તા. પ ના સાંજે પાટીદડ ગામ પાસેથી પેટ્રોલ લઇ તેની કાર જયા પલ્ટી મારી ગઇ હતી ત્યાં જઇ કારને પેટ્રોલ છાંટી વિમો પકાવવા મોટર સળગાવી નાખી પોલીસને ખોટી માહીતી આપી હતી. આથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
