તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
મહુવા પંથકમાં ડોંગી નદીમાં કાર તણાઇઃ ૮નો બચાવ
અમદાવાદના પરિવારના સભ્યોની કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા સ્થાનિકોની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬: ભાવનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ગ્રામ્ય પંથકની નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે મહુવા તાલુકામાંથી એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના ઓથા ગામની મધ્યમાંથી પસાર થતી ડોંગી નદીના ધસમસતા પૂરમાં એક અર્ટિગા કાર તણાઈ ગઈ હતી. આ કારમાં મહિલાઓ અને યુવાનો સહિત કુલ ૮ વ્યક્તિઓ સવાર હતા, જે તમામનો સ્થાનિકોની સમયસૂચકતા અને તત્પરતાને કારણે ચમત્કારિક બચાવ થયો છે. મોટી જાનહાની ટળતાં પરિવારે અને સ્થાનિક વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.મૂળ અમદાવાદનો રહેવાસી ચૌહાણ પરિવાર મહુવા તાલુકાના જાંબુડા ગામે પોતાના સગા-સંબંધીને ત્યાં ખરખરા ના કામે આવી રહ્યો હતો. આ પરિવાર જીજે ૦૧ એમટી ૪૧૭૨ (GJ 01 MT 4172) નંબરની અર્ટિગા કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઓથા ગામની વચ્ચે આવેલી ડોંગી નદીના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં કાર આગળ વધારવામાં આવી હતી. જો કે, પાણીનું વહેણ અચાનક વધી જતાં અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જોતજોતામાં આખી કાર પાણીના જોરદાર વહેણમાં તણાવા લાગી હતી. કાર નદીના પૂરમાં ફસાતાં જ તેમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતી જોઈને ઓથા ગામના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે હિંમતપૂર્વક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કારમાં સવાર હેમાબેન ભરતભાઈ ચૌહાણ, ફાલ્ગુનબેન ચૌહાણ, ક્રિષ્નાબેન ચૌહાણ, સોનલબેન ચૌહાણ, કૌશિકભાઈ ચૌહાણ, નિખિલભાઇ ચૌહાણ, ૨૦ વર્ષીય જીગરભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર સૌરવ રાજપુત સહિતના તમામ ૮ લોકોને ભારે જહેમત બાદ એકપછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કુદરતી આફત વચ્ચે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થતાં લોકોએ ઈશ્વરનો પાડ માન્યો હતો. ઘટના બાદ સ્થાનિક સ્તરેથી જેસીબી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નદીના પૂરમાં ફસાયેલી અર્ટિગા કારને દોરડા વડે બાંધીને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતને પગલે ઓથા ગામ અને આસપાસના વિસ્તારમાં થોડો સમય માટે ભારે નાસભાગ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
