<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

પ્રચાર પડઘમ શાંતઃ કચ્છમાં કુલ ૪૨૨ બેઠકોના ૧૦૬૫ ઉમેદવારોનો ફેંસલો મતદારોના હાથમાં

ભાજપ માટે આસાન દેખાતી રાહ પણ મતદારોની નારાજગી વધી, કોંગ્રેસ માટે પડકાર વચ્ચે ઉમેદવારો, કાર્યકરોને સંભાળવાની ચેલેન્જ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૫: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે આવતીકાલે મતદાન છે ત્યારે કચ્છની એક મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાઓ, નવ તાલુકા પંચાયતો, એક જિલ્લા પંચાયતમાં કુલ ૪૨૨ બેઠકો ઉપર ૧૦૬૫ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૧૮૬૬ મતદાન કેન્દ્રોમાંથી ૫૧૮ સંવેદનશીલ જ્યારે ૨૧ અતિ સંવેદનશીલ છે. કચ્છના રાજકીય ચિત્રની વાત કરીએ તો લગભગ અઢી દાયકાથી વધુ સમય થયો એકંદરે ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. જોકે, ભાજપના પ્રદેશ નેતાઓ હોય કે સરકારના મંત્રીઓ હોય પ્રચાર ઝુંબેશમાં વિકાસની વાતો મુખ્ય હોય છે. હવે સવાલ એ જ છે કે જો યોગ્ય વિકાસ થયો હોય તો પ્રજામાં નારાજગી શા માટે દેખાય છે? હા, વિકાસ થયો છે પણ પદાધિકારીઓ અને અધિકારીઓનો. તેમની સત્તા વધી છે. આમ પ્રજા માટે તો નર્મદા કેનાલમાં ભંગાણ, રસ્તાઓમાં ખાડા, લોકોના ખેતર હોય કે ગામની ગૌચર જમીન કંપનીઓ દ્વારા દાદાગીરીથી ટાવર નાખવાની કામગીરી,  ફરી વારંવાર લાઈટ જવાની સમસ્યા, ભૂમાફિયાઓ સામે લાચાર લોકો, દારૃ અને ડ્રગ્સનું ખુલેઆમ વધેલું વેચાણ, કાયદો વ્યવસ્થા સામે સવાલો જેવા અનેક પ્રશ્નો છે. એ વાત અલગ છે કે ચૂંટાશે ભાજપ જ. પરંતુ પ્રશ્ન અને ચર્ચા એ પણ છે કે કોંગ્રેસના ઉમેદવારો કે આગેવાનો ને શા માટે કેસરિયા પક્ષ લેવા ઉત્સુક છે? ખુદ જૂના ભાજપીઓ નારાજ છે. શું ભાજપ ચૂંટણી પોતાના સ્થાનિક કાર્યો અને સ્થાનિક નેતાઓના દમ ઉપર ચૂંટણી જીતી શકે એમ નથી? કોંગ્રેસ માટે પડકાર પક્ષ પલટાનો છે. સુશાસન સાથે સબળ શાસક પક્ષ અને મજબૂત વિરોધ પક્ષ જાણે ભૂતકાળ બની ગયો હોય એવું દેખાય છે

(12:02 PM IST)