<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ભજન કરીને ધર્મગુરૂ સિધ્‍ધાંત અને સદ્‌ગુરૂ સત્‍ય આપે : પૂ. મોરારીબાપુ

ભાવનગર જિલ્લાના તલગાજરડામાં શ્રી ચિત્રકુટધામમાં પૂ. પ્રભુદાસબાપુની પૂણ્‍યતિથી પ્રસંગે સમુહલગ્ન : સંતવાણી આરાધકોનું સન્‍માન

(મેઘના/વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર  તા.૨૭: શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી પ્રભુદાસબાપુની પુણ્‍યતિથિ પ્રસંગે સમૂહલગ્ન અને સંતવાણી સન્‍માનનો સાત્‍વિક ઉપક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુ કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્‍ય આપે છે.

શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ કાર્યક્રમમાં સંતવાણી ગાયક, સંગીતકાર આરાધકોનું સન્‍માન અભિવાદન કરવામાં આવ્‍યું.

શ્રી મોરારિબાપુએ આ સન્‍માન કાર્યક્રમ એ ભજન વંદનાનો પ્રતીક ઉપક્રમ ગણાવી પોતાનો રાજીપો વ્‍યક્‍ત કર્યો અને તેમના પ્રેરક હરખ ઉદ્વોધનમાં કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્‍ય આપે છે. ભજનથી શું મળે? તે પ્ર‘ છેડી શ્રી મોરારિબાપુએ તુલસીદાસજીના ઉલ્લેખ સાથે કહ્યું કે, તેને પછી ભજન સિવાય કશું જ ગમતું નથી. ભજન વડે થતી પ્રાપ્તિનો પણ ઉલ્લેખ કર્યો.

આ કાર્યક્રમમાં શ્રી સુખરામજીબાપુ મોટાભમોદરાની આદિ સર્જક વંદના થઈ, ભજનિક શ્રી દેવરાજ ગઢવી નાનો ડેરો (બાડા કચ્‍છ), તબલાવાદક શ્રી પ્રતાપભાઈ બારોટ (જૂનાગઢ), તબલા વાદક શ્રી હિતેશગીરી ગોસાઈ (બાબરા રાજકોટ) અને મંજીરવાદક શ્રી સંજયભાઈ કાપડી (જામનગર) આ પ્રતિભાઓને સંતવાણી સન્‍માન એનાયત થયાં.

આ સન્‍માન કાર્યક્રમ સંચાલન કરતાં શ્રી હરિચંદ્રભાઈ જોષીએ સંતવાણી પરંપરાનો ઉલ્લેખ કરી અલગ અલગ પ્રાંતોની સંતવાણી સંદર્ભે રસ પીરસ્‍યો અને શ્રી મોરારિબાપુ પ્રેરિત આ આયોજન વિશે પ્રાસંગિક વિગત આપી.

શ્રી પ્રભુદાસબાપુની પુણ્‍યતિથિ પ્રસંગે અહીંયા યોજાયેલ સમૂહલગ્નમાં ગામની દીકરીઓએ લગ્નજીવનમાં પગલાં પાડ્‍યાં.

તલગાજરડામાં આ સમૂહલગ્ન અને સંતવાણી સન્‍માનનો સાત્‍વિક ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં સાવરકુંડલાના  ભક્‍તિરામબાપુ સાથે લોકસાહિત્‍યકાર  ભિખુદાન ગઢવી, ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્‍યા, લોકગાયક ભજનિક હેમંતભાઈ ચૌહાણ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્‍ય  શિવાભાઈ ગોહિલ અને કલાકાર ભજનિકો  બિહારીભાઈ ગઢવી,  ભારતીબેન વ્‍યાસ, કિર્તીદાન ગઢવી,  માયાભાઈ આહિર,  નીતિનભાઈ વડગામા સહિત સાહિત્‍યકારો, કલાકારો, ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્‍યામાં જોડાયાં અને આ પ્રસંગ માણ્‍યો. આ સન્‍માન પસંદગી સેવામાં શ્રી પરષોત્તમપરી ગોસ્‍વામી તથા શ્રી ખેતશીભાઈ ગઢવી રહ્યાં હતાં.

તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણીના આ સન્‍માન ઉપક્રમ સાથે નામી અનામી ભજનિક કલાકારો દ્વારા સંતવાણી લાભ મળ્‍યો હતો.

(1:05 PM IST)