News of Thursday, 1st October 2026
કચ્છના રાપરની બજાર સ્વચ્છ રાખવાનો વ્યાપારીઓનો સંકલ્પ: પાલિકાની વ્યાપારીઓ સાથે બેઠક
ચર્ચા દરમ્યાન ગટરલાઇન લીકેજ, જાહેર શૌચાલય, નિયમિત કચરા કલેક્શન સહિતના પ્રશ્નો ઉઠ્યા, પ્રતિબંધિત પ્લાસ્ટિક નહીં વાપરવા વેપારીઓની ખાતરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ અને જાહેરમાં કચરો નાખવા બદલ દંડાત્મક કાર્યવાહી બાદ રાપર નગરપાલિકા ખાતે વેપારીઓની બેઠક યોજાઈ હતી. ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અને પ્રમુખ ચાંદભાઈ ભીંડેની ઉપસ્થિતિમાં માલી ચોક, ભૂતિયા કોઠા, એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર અને સલારી નાકાના વેપારીઓએ બજારની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તેમજ જાહેરમાં કચરો નહીં નાખવાની ખાતરી આપી હતી. સાથે જ નગરપાલિકા સ્ટાફ વેપારીઓ સાથે નમ્રતાથી વર્તે અને દંડાત્મક કાર્યવાહી પહેલાં જરૂરી સૂચના આપવામાં આવે તેવી માંગ કરી હતી.
મુખ્ય બજારમાં જાહેર શૌચાલયના અભાવ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. દેના બેન્ક ચોકથી સલારી નાકા સુધીની ગટરલાઇનમાં લીકેજનું સમારકામ, રસ્તાના રિપેરિંગ બાદના ખાડા પૂરવા તેમજ માલી ચોકથી ભૂતિયા કોઠા અને માંડવી ચોક સહિતના વિસ્તારોમાં નિયમિત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની માંગ કરવામાં આવી હતી. બજારમાં કચરો જમા થવાથી રખડતા ઢોરનો ત્રાસ વધતો હોવાથી સવાર, બપોર અને સાંજે કચરો ઉપાડવાની વ્યવસ્થા નિયમિત કરવા પણ જણાવાયું હતું.
પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ શહેરની સ્વચ્છતા જાળવવા વેપારીઓ અને નાગરિકોના સહયોગને જરૂરી ગણાવી સફાઈ તથા પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ વધુ સઘન બનાવવાની ખાતરી આપી હતી. બેઠક બાદ સ્વચ્છતા સંકલ્પના શપથ લેવડાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
